<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

TAT HS ના પરિણામમાં વિસંગતતા મુદ્દે મોરબી સહિતના ઉમેદવારો દ્વારા નાયબ મુખ્યમંત્રીને આવેદન.

150થી વધુ માર્ક્સનું લખાણ લખવા છતાં સરેરાશ 80 થી 110 માર્ક્સ આવતા આશ્ચર્ય : ઉત્તરવહીના પુન:મૂલ્યાંકનની માંગ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : તાજેતરમાં લેવાયેલી શિક્ષકો માટેની ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાના પરિણામમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. આ પરિણામથી અસંતુષ્ટ ઉમેદવારોએ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગ કરી છે. પરીક્ષામાં ઉચ્ચ ગુણવત્તાવાળું અને સચોટ લખાણ લખવા છતાં અત્યંત ઓછા ગુણ મળતા ઉમેદવારોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જેને પગલે પારદર્શક તપાસ અને ઉત્તરવહીના રિચેકિંગ સહિતની વિવિધ માંગણીઓ સાથે સચિવાલય ખાતે શાંતિપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.
આ મુદ્દે મોરબીથી ગયેલા ઉમેદવારો ધાર્મિક નટવરલાલ વનગરા, કવિતાબેન છગનભાઈ કુંડારીયા અને તરૂણાબેન નારણભાઈ કૈલા સહિતના દ્વારા 16 નવેમ્બર 2026 ના રોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-2 ખાતે નાયબ મુખ્યમંત્રીને સંબોધીને આવેદન આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર મુખ્યમંત્રીના કાર્યાલયના જન સંપર્ક અને સ્વાગત વિભાગમાં પણ સ્વીકારવામાં આવ્યું છે. આવેદનમાં જણાવ્યા અનુસાર, ગત તારીખ 08/08/2026 ના રોજ TAT HS ની મુખ્ય પરીક્ષા લેવાઈ હતી અને તેનું સત્તાવાર પરિણામ તારીખ 06/11/2026 ના રોજ જાહેર ક૨વામાં આવ્યું હતું.
આ પરીક્ષામાં યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ, 10 થી 15 વર્ષના અનુભવી શિક્ષકો, પીએચ.ડી. કરતા ઉમેદવારો અને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવેલ હોશિયાર ઉમેદવારોએ પણ પરીક્ષા આપી હતી. 150 થી વધુ ગુણનું સચોટ લખાણ લખ્યું હોવા છતાં, મોટાભાગના ઉમેદવારોનું પરિણામ સરેરાશ 80 થી 110 ગુણની વચ્ચે જ આવ્યું છે. જેથી ઉમેદવારોએ નિષ્પક્ષ ન્યાયની આશા સાથે માંગ કરી છે કે બંને પેપરના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે અને દરેક ઉમેદવારની પોતાની ઉત્તરવહી જોવા માટે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે.
આ ઉપરાંત, બોર્ડ દ્વારા અધિકૃત આન્સર કી પ્રસિદ્ધ કરવા અને પરિણામના આંકડાઓમાં દેખાતી વિસંગતતાનો ખુલાસો કરવા પણ જણાવાયું છે. અનુસ્નાતક કક્ષાના કઠિનતા મૂલ્ય ધરાવતા પેપર માટે ઉત્તરવહી તપાસનારની લાયકાત એમ.એડ. કે પ્રોફેસર સમકક્ષ છે કે કેમ તે અંગે સ્પષ્ટતા માંગીને ઉમેદવારોએ ઉત્તરવહીનું પુન:મૂલ્યાંકન થાય તેવી માંગ કરી છે

(12:45 AM IST)