તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ભાવનગર નજીક અજાણ્યા વાહનની ટક્કરે કાર ખાળિયામાં ફંગોળાઈ, અમદાવાદના દંપતિનું ૭ મોત
પીપળી પાસે ગમખ્વાર અકસ્માતઃ ૪ ને ઇજા જુહાપુરામાં રહેતા મેમણ પરિવાર ઉપર વજ્રઘાત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૩: સામાજીક આગેવાન અને બિલ્ડર આરીફ કાલવાના પરિવારના સગા અમદાવાદ રહેતા બહેન-બનેવી પોતાના પરિવાર સાથે ખબર અંતર પૂછવા માટે ભાવનગર આવી રહ્યા હતા. તેઓ કારમાં સવાર થઈને ભાવનગર તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે પીપળી નજીક પહોંચતા જ એક અજાણ્યા વાહને તેમની કારને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર રોડ પરથી ફંગોળાઈને સીધી ખાળિયામાં પડી ગઈ હતી. કાર ખાળિયામાં પડતા જ ચીસાચીસ મચી ગઈ હતી.
અકસ્માત સર્જાતા જ આસપાસથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ખાળિયામાં પડેલી કારમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ અકસ્માતમાં બહેનની દીકરી અને જમાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મળતક દંપતીની ઓળખ અમદાવાદના જુહાપુરામાં રહેતા નઝીરહુસેન અબ્દુલકાદિર મેમણ ઉંમર વર્ષ ૩૨ અને આલ્ફીનાબેન નઝીરહુસેન મેમણ ઉંમર વર્ષ ૨૬ તરીકે થઈ છે. યુવાન દંપતીના અકાળે મોતથી બંને પરિવારોમાં આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ જ અકસ્માતમાં ફાતિમાબેન નઝીરહુસેન મેમણ ઉંમર વર્ષ ૮, શહેનાઝબેન મેમણ ઉંમર વર્ષ ૬૧, સોબાનભાઈ સાકરવાળા ઉંમર વર્ષ ૨૬ અને રેહાનાબેન સાકરવાળા ઉંમર વર્ષ ૬૦ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. ખબર અંતર પૂછવા આવેલા પરિવારને જ આ રીતે અકસ્માત નડતા કાલવા પરિવાર સહિત સમગ્ર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
