<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

અમરેલીમાં કાર પાણીમાં ફસાઇઃ ચાવંડ પાસે મકાન પડયુઃ બાળકનો બચાવ

લીલીયા વિસ્‍તારમાં રેલ્‍વે ટ્રેક ઉપર વરસાદી પાણી ફરી વળતા મહુવા-સુરત પેસેનજર ટ્રેન રદ

અમરેલી, તા. ૭: અમરેલી જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જનજીવન પર ભારે અસર જોવા મળી છે. અમરેલી શહેરમાં અનેક રસ્‍તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડયો હતો. ખાસ કરીને લીલીયા રોડ પર એક કાર વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં અમરેલી ફાયર બ્રિગેડની ટીમ તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ ઝડપી કામગીરી કરીને કારમાં ફસાયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢયો અને કારને પણ બહાર લાવવાનો પ્રયાસ કર્યો. ત્‍યારબાદ કારચાલકને સુરક્ષિત સ્‍થળે ખસેડવામાં આવ્‍યો હતો. સમયસર કરવામાં આવેલા આ રેસ્‍કયુ ઓપરેશનના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

ભારે વરસાદની અસર રેલવે વ્‍યવહાર પર પણ જોવા મળી છે. લીલીયા અને આસપાસના વિસ્‍તારમાં ધોધમાર વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં ટ્રેન વ્‍યવહાર ખોરવાઈ ગયો હતો. મહુવાથી સુરત જતી પેસેન્‍જર ટ્રેનને સંપૂર્ણ માર્ગ પર દોડાવવી શકય ન હોવાથી તે માત્ર સાવરકુંડલા સુધી જ ચલાવવામાં આવી હતી. ત્‍યારબાદ સુરક્ષાના કારણોસર ટ્રેનને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. ટ્રેક પર પાણી ભરાવાને કારણે રેલવે તંત્રએ મુસાફરોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપીને સેવા સ્‍થગિત કરી હતી. જેના કારણે અનેક મુસાફરોને મુશ્‍કેલીનો સામનો કરવો પડયો હતો.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ જવાની સ્‍થિતિ સર્જાઈ હતી. ચાવંડ ગામ નજીક મોડી રાત્રે ભારે વરસાદ વચ્‍ચે એક કાચું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનામાં એક બાળક કાટમાળ નીચે દબાઈ જતાં ઇજાગ્રસ્‍ત થયું હતું. ઘટનાની જાણ થતાં સ્‍થાનિક તંત્ર, પોલીસ અને બચાવ ટીમ તરત જ સ્‍થળ પર પહોંચી હતી. જેસીબીની મદદથી કાટમાળ હટાવી બાળકને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા બાળકને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો. સમયસર મળેલી મદદના કારણે બાળકનો જીવ બચાવી શકાયો હતો.

લાઠી પોલીસ અને સ્‍થાનિક વહીવટી તંત્રએ ભારે વરસાદને ધ્‍યાનમાં રાખીને ચાવંડ ગામના આશરે ૫૦ લોકોને સલામત સ્‍થળે ખસેડવાનો નિર્ણય લીધો હતો. લોકોને સમજાવીને ચાવંડ પ્રાથમિક શાળામાં સ્‍થળાંતર કરવામાં આવ્‍યા હતા, જ્‍યાં તેમની જરૂરી વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. સતત વરસાદ બાદ જ્‍યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો ત્‍યારે સ્‍થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે તંત્ર હજુ પણ સંપૂર્ણ સતર્ક છે અને નીચાણવાળા વિસ્‍તારો પર સતત નજર રાખી રહ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની શકયતા વ્‍યક્‍ત કરી હોવાથી લોકોને સાવચેત રહેવા, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્‍તારોમાં જવાનું ટાળવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

(11:31 AM IST)