<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

સાવધાન… બાળકો માટે ફટાકડાનો એક તણખો પણ બની શકે ગંભીર ઇજાનું કારણ : જાણો દાઝવાના કિસ્સામાં શું ખ્યાલ રાખશો ?

અદાણી સંચાલિત કચ્છની જિલ્લા સરકારી હોસ્પિટલ જી.કે. જનરલના બર્ન્સ એન્ડ કેર નિષ્ણાત ડો. મહાલક્ષ્મી પિલ્લઈએ દિવાળીમાં સાવચેતી અને તાત્કાલિક સારવાર અંગે આપી મહત્વપૂર્ણ સલાહ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫ :  દિવાળીના પર્વમાં દીવા, રોશની અને ફટાકડાનો ઉત્સાહ સૌમાં જોવા મળે છે. ખાસ કરીને બાળકોમાં ફટાકડા ફોડવાનો ભારે ઉમંગ હોય છે. જોકે, આનંદ અને ઉત્સાહ વચ્ચે થોડી બેદરકારી ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. દર વર્ષે દિવાળીના દિવસોમાં ફટાકડાથી દાઝી જવાના અનેક બનાવો સામે આવે છે. ઘણીવાર સામાન્ય દેખાતી ઇજા પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. ત્યારે ગભરાવાને બદલે યોગ્ય પ્રાથમિક સારવાર અને સમયસર તબીબી સલાહ લેવી અત્યંત જરૂરી છે. બર્ન્સ એન્ડ કેર નિષ્ણાત ડો. મહાલક્ષ્મી પિલ્લઈએ દિવાળીના તહેવારમાં ફટાકડાથી થતી ઇજાઓથી બચવા તથા દાઝી જવાના કિસ્સામાં શું તકેદારી રાખવી તે અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે.

*દાઝી જાવ તો સૌપ્રથમ શું કરવું?*

ડો. મહાલક્ષ્મી પિલ્લઈના જણાવ્યા મુજબ, ફટાકડાથી દાઝી જવાના કિસ્સામાં સૌપ્રથમ દાઝેલા ભાગને ૧૦થી ૨૦ મિનિટ સુધી સાદા ઠંડા વહેતા પાણી નીચે રાખવો જોઈએ. દાઝેલા ભાગ પર બરફ, ટૂથપેસ્ટ, હળદર કે તેલ લગાવવાની ભૂલ ક્યારેય કરવી નહીં. ઘા પર ચુસ્ત કે રૂવાળું કપડું વીંટાળવું નહીં, પરંતુ સ્વચ્છ પટ્ટી હળવેથી મૂકવી. જો ફોલ્લા થયા હોય તો તેને ફોડવા નહીં. દાઝેલા ભાગમાં સોજો આવવાની શક્યતા હોવાથી વીંટી, બંગડી કે ઘડિયાળ જેવી વસ્તુઓ પણ શક્ય હોય તો હળવેથી ઉતારી લેવી જોઈએ.

*આવી સ્થિતિમાં તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું જરૂરી*

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચહેરો, ગળું, હાથના પંજા, સાંધા કે ગુપ્ત ભાગમાં દાઝી જવાય, ઘા મોટો કે ઊંડો હોય અથવા દાઝેલો ભાગ સફેદ કે કાળો દેખાતો હોય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ. ખાસ કરીને બાળક, વૃદ્ધ કે ડાયાબિટીસના દર્દીને દાઝવાની ઘટના બને તો વિલંબ કર્યા વગર તબીબી સલાહ લેવી જરૂરી છે. દાઝ્યા બાદ શ્વાસ લેવામાં તકલીફ થાય, ધૂંધળું દેખાય કે આંખમાં ફટાકડાની કણકી પડે તો આંખને ચોળવી નહીં અને તાત્કાલિક આંખના નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ.

*નાનું દાઝવું પણ ન ગણો સામાન્ય*

ઘણીવાર દાઝેલો ભાગ ઉપરથી નાનો દેખાતો હોવા છતાં અંદરથી ઊંડો હોઈ શકે છે. આવી ઇજામાં ચેપ લાગવાની સાથે ટિટનસ એટલે કે ધનુર્વા થવાનો ભય પણ રહે છે. તેથી દાઝવાની ઇજાને સામાન્ય ગણીને અવગણવી નહીં. નાની ઇજા હોય તો પણ યોગ્ય તબીબી તપાસ કરાવવી હિતાવહ છે.

*ફટાકડા ફોડતી વખતે રાખો ખાસ સાવચેતી*

દિવાળીની ઉજવણી દરમિયાન અકસ્માતથી બચવા માટે ફટાકડા હંમેશાં ખુલ્લી અને સુરક્ષિત જગ્યાએ ફોડવા જોઈએ. બાળકોને ક્યારેય એકલા ફટાકડા ફોડવા દેવા નહીં અને વડીલોએ તેમની સાથે હાજર રહેવું જોઈએ. ફટાકડા ફોડતી વખતે સિન્થેટિક કપડાંને બદલે સુતરાઉ કપડાં પહેરવા, પગમાં ચંપલ કે જૂતાં રાખવા જરૂરી છે. ફટાકડા હાથમાં રાખીને ફોડવા નહીં. લાંબી અગરબત્તી કે સ્પાર્કલરનો ઉપયોગ કરીને સુરક્ષિત અંતર જાળવવું. ફૂસ્સ થઈ ગયેલા કે ન ફૂટેલા ફટાકડાની નજીક તરત જવું નહીં કે તેને ફરી સળગાવવાનો પ્રયાસ કરવો નહીં. અકસ્માતની સ્થિતિમાં તાત્કાલિક ઉપયોગ થઈ શકે તે માટે નજીકમાં પાણીની ડોલ રાખવી પણ જરૂરી છે.

દિવાળી ખુશીઓ, પ્રકાશ અને આનંદનો તહેવાર છે. થોડીક સાવચેતી, જવાબદારી અને યોગ્ય જાણકારીથી ફટાકડાથી થતા અકસ્માતો તથા ગંભીર ઇજાઓથી બચી શકાય છે. ખાસ કરીને બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી સમજદારીપૂર્વક તહેવારની ઉજવણી કરીએ અને સૌ માટે દિવાળીને ખરેખર સુરક્ષિત દિવાળી – સ્વસ્થ દિવાળી બનાવીએ.

(9:30 AM IST)