<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

દિવ્યાંગ દીકરીને ફ્લાઇટમાંથી ઉતારવા બદલ એર ઈન્ડિયાને CCPD કોર્ટનો ઠપકા સાથે કડક આદેશ : પીડિતાને ૫ લાખ વળતર ચૂકવો-૫૦ હજારનો દંડ ભરો

જર્મનીથી ભુજ આવતી વેળાએ દિલ્હીમાં ફ્લાઇટમાંથી ઉતારી અપમાનિત કરાયા બાદ દિવ્યાંગ દીકરી ફાલ્ગુની મહેશ્વરીએ ફરિયાદ સાથે લડત કરી દિવ્યાંગ જનોના સન્માન માટે ન્યાય મેળવ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૬ :  ભુજની દિવ્યાંગ મહિલા મુસાફરને ફ્લાઇટમાંથી ઉતારી મૂકવાના મામલે એર ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. દિવ્યાંગ મુસાફર સાથે કરવામાં આવેલા વર્તનને ગંભીરતાથી લેતાં કોર્ટ ઓફ ધ ચીફ કમિશનર ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (CCPD) એ એર ઈન્ડિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. કોર્ટએ પીડિત દિવ્યાંગ મહિલા ફાલ્ગુની મહેશ્વરીને રૂ.5 લાખનું વળતર ચૂકવવા તેમજ રૂ.50 હજારનો દંડ ભરવાનો આદેશ કર્યો છે. ભુજની ફાલ્ગુની મહેશ્વરીએ જર્મનીથી ભારત પરત ફરતી વખતે એર ઈન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરી કરી હતી. તેઓ 80 ટકા લોકોમોટર દિવ્યાંગતા ધરાવે છે અને વ્હીલચેરનો ઉપયોગ કરે છે. 26 મે, 2026ના રોજ જર્મનીના ફ્રેન્કફર્ટથી દિલ્હી સુધીની ફ્લાઇટમાં કોઈ તબીબી અવરોધ વિના મુસાફરી કર્યા બાદ દિલ્હી એરપોર્ટથી ભુજ જતી કનેક્ટિંગ ફ્લાઇટમાં તેઓ પોતાની સીટ પર બેઠા હતા.

આ દરમિયાન ફૂ-મેમ્બર્સે તેમની દિવ્યાંગતાને લઈને વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેમની પાસેથી ‘ફિટ-ટુ-ફ્લાય’ સર્ટિફિકેટની માંગ કરવામાં આવી હતી. જરૂરી દસ્તાવેજ વિના તેમને ફ્લાઇટમાં મુસાફરી કરવાની મંજૂરી ન આપતાં અંતે તેમને ફ્લાઇટમાંથી ઉતારી મૂકવામાં આવ્યા હતા.

*સમાનતાના કાયદાકીય અધિકારનો ભંગ*

ફાલ્ગુની મહેશ્વરીએ આ સમગ્ર ઘટનાને લઈને CCPD સમક્ષ ફરિયાદ કરી હતી. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓનો ઉલ્લેખ કરતાં CCPD કોર્ટે સ્પષ્ટ કર્યું કે દિવ્યાંગ વ્યક્તિ સાથે આ પ્રકારનું વર્તન તેના ગરિમા અને સમાનતાના કાયદાકીય અધિકારનું ઉલ્લંઘન છે.

કોર્ટએ એર ઈન્ડિયાને વળતર ચૂકવવા ઉપરાંત કર્મચારીઓને દિવ્યાંગ મુસાફરો પ્રત્યે યોગ્ય વ્યવહાર અંગે તાલીમ આપવા, વ્હીલચેરના નુકસાનનું આકલન કરવા તેમજ આંતરિક તપાસ અંગેનો અહેવાલ નિર્ધારિત સમયમર્યાદામાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

*મુસાફરી પહેલાં કરેલો ખર્ચ પણ વધ્યો*

ફરિયાદમાં જણાવ્યા મુજબ, દિલ્હીથી ભુજ પહોંચવા માટે પીડિત મુસાફરે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી હતી. માનસિક યાતના તથા આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને પણ કોર્ટએ એર ઈન્ડિયાની જવાબદારી નક્કી કરી છે.

*એર ઈન્ડિયાનો બચાવ ફગાવ્યો*

સુનાવણી દરમિયાન એર ઈન્ડિયાએ મુસાફરની તબીબી સ્થિતિ અંગે દલીલો કરી હતી. જોકે, કોર્ટએ નોંધ્યું કે જર્મનીથી દિલ્હી સુધીની મુસાફરી દરમિયાન તેમને કોઈ તબીબી અવરોધ ન હતો. એર ઈન્ડિયાના પોતાના ડોક્ટર દ્વારા મુસાફરની યોગ્ય તપાસ કરવામાં આવી ન હોવાની બાબત પણ સામે આવી હતી. કોર્ટએ સમગ્ર ઘટનાને ગંભીર સંસ્થાકીય બેદરકારી ગણાવી એર ઈન્ડિયાને ભવિષ્યમાં દિવ્યાંગ મુસાફરો સાથે આવી ઘટના ન બને તે માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવા પણ સૂચના આપી છે.

ફાલ્ગુની મહેશ્વરીની એર ઈન્ડિયામાં જર્મનીના ફ્રેન્કફર્ટથી દિલ્હી અને ત્યાંથી એર ઈન્ડિયાની જ કનેક્ટિંગ ફ્લાઈટમાં ટિકિટ હતી. જર્મનીથી દિલ્હી એ જ કાગળો સાથે એર ઈન્ડિયામાં બરાબર પ્રવાસ કર્યો પણ દિલ્હીથી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ દ્વારા અલગ અલગ સવાલો કરી અપમાનિત રીતે નીચે ફાલ્ગુનીને નીચે ઉતારી દેવાઈ. આ કિસ્સો અકિલામાં પણ પ્રકાશિત કરાયો હતો. જોકે, દિવ્યાંગજનોના સન્માન અર્થે ફાલ્ગુનીએ હિંમત હાર્યા વગર કાનૂની લડત કરી એર ઈન્ડિયા સામે જીત મેળવી.

(9:31 AM IST)