તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
ચલાલામાં ૧૨ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ
જર ડેમ અને મોરસુપડા ડેમ ઓવરફલો અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, લોકોનું સ્થળાંતર, વહીવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓની પ્રશંસનીય કામગીરી

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૭: ચલાલા શહેર અને આસપાસના વિસ્તારમાં પડેલા અંદાજે ૧૨ ઇંચ જેટલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે જર ડેમ અને મોરસુપારા ડેમ ઓવરફલો થયા હતા, જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં કેડડૂબ પાણી ભરાઈ ગયા હતા.
હુડકો૧, હુડકો૨, મફત પ્લોટ, શાંતિનગર, લાઇબ્રેરી રોડ, ભીમનાથ મંદિર વિસ્તાર, સ્ટેશન રોડ, મીઠાપુર ફાટક વિસ્તાર, દેવીપૂજક વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોની ઘરવખરી, અનાજ, દૈનિક ઉપયોગની ચીજવસ્તુઓ અને અન્ય માલસામાનને ભારે નુકસાન થયું હતું.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારો તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. આર.કે.એમ.એમ. હાઈસ્કૂલ, ભુવા કન્યા શાળા, પરા શાળા સહિતના સ્થળોએ આશ્રય અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
અમરેલી રોડ પર આવેલી અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને મોટું નુકસાન થયું હતું. દુકાનોમાં રહેલો માલસામાન પાણીમાં તરતો જોવા મળ્યો હતો. પાણીના ઝડપી નિકાલ માટે અમરેલી રોડ પર આવેલી કન્યા શાળાની દિવાલ તોડી પાણીનો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
ભારે વરસાદના કારણે સાવરકુંડલાખાંભા રોડ પર આવેલા નદીના બે કાંઠા વચ્ચે ભારે પાણીનો પ્રવાહ હોવાથી માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. આવી વિકટ પરિસ્થિતિમાં ચલાલા નગરપાલિકાના પ્રમુખ તથા તેમની ટીમે ફાયર વિભાગના જવાનો સાથે દોરડાની મદદથી લોકોને એક કાંઠેથી બીજા કાંઠે સુરક્ષિત રીતે પહોંચાડવાની જોખમી પરંતુ પ્રશંસનીય કામગીરી કરી હતી. આ કામગીરીના કારણે અનેક લોકો પોતાના નિવાસસ્થાને સલામત રીતે પહોંચી શક્યા હતા.
ગાયત્રી સંસ્કારધામ, માનવ મંદિર, મારુતિ ગ્રુપ સહિતની સેવાભાવી અને સામાજિક સંસ્થાઓએ અસરગ્રસ્ત પરિવારો માટે રસોડાં શરૂ કરી ભોજનની વ્યવસ્થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સાવરકુંડલાચલાલા અને ખાંભાચલાલા માર્ગો પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો હતો. બપોર બાદ શહેરમાં વેપાર-ધંધા અને બજારો બંધ રહ્યા હતા તેમજ એસ.ટી. બસોની અવરજવર પણ સ્થગિત કરવામાં આવી હતી.
પીજીવીસીએલના નાયબ ઇજનેર શ્રી ગરાસીયા તથા તેમની સમગ્ર ટીમ સતત ખડેપગે રહી કામગીરી બજાવતાં ભારે વરસાદ વચ્ચે પણ વીજ પુરવઠો મોટાભાગના વિસ્તારમાં યથાવત રાખવામાં સફળ રહ્યા હતા.
ચલાલા પોલીસ દ્વારા સતત પેટ્રોલિગ કરી જરૂરિયાતમંદ લોકોને મદદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચલાલા નગરપાલિકાના પ્રમુખ સહિત સમગ્ર ટીમ પણ સતત મેદાનમાં રહી લોકોની મુશ્કેલીઓ દૂર કરવા અને રાહત કામગીરીમાં સક્રિય રહી હતી.
શહેરમાં સર્જાયેલી જળબંબાકાર સ્થિતિ જોવા માટે વિવિધ સ્થળોએ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વહીવટી તંત્ર, પોલીસ, પીજીવીસીએલ, નગરપાલિકા, ફાયર વિભાગ અને સેવાભાવી સંસ્થાઓએ સંકલનપૂર્વક કામગીરી કરી અસરગ્રસ્ત લોકોને ત્વરિત રાહત પહોંચાડવાનો સફળ પ્રયાસ કર્યો હતો.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
