તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
ચલાલા-હામાપુર રોડનું કામ ગોકળગાય ગતિએઃ એસ.ટી.એ એક જ ઝાટકે લોંગ રૂટ બંધ કરી દેતા ગોપાલગ્રામના મુસાફરો રામ ભરોસે

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. રરઃ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં એસ.ટી. નિગમના વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને મનસ્વી નિર્ણયોને કારણે મુસાફરો ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે. ચલાલાથી હામાપુર તરફ જતો રોડ હાલ નવો બની રહ્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ઘોર આળસને કારણે આ રસ્તાનું કામ અત્યંત ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે. રસ્તાની આ નબળી કામગીરીને આગળ ધરીને એસ.ટી. વિભાગના સત્તાધીશોએ ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના એક જ ઝાટકે સવારથી સાંજ સુધીની મહત્વની તમામ બસ સેવાઓ ખોરવી નાખી છે. ગોપાલગ્રામથી નિયમિત ચાલતા જેતપુર, જૂનાગઢ, પોરબંદર,તોરણીયા, ધોરાજી,ગોંડલ અને કેશોદ જેવા લાંબા અંતરના રૂટો અચાનક જ બંધ કરી દેવામાં આવતા સ્થાનિક લોકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ ખરા અર્થમાં મોટી મુસીબતમાં મુકાયા છે.હાલમાં તંત્ર દ્વારા માત્ર સવારથી બપોર સુધીમાં બે અને બપોરથી સાંજ સુધીમાં બે બસો માંડ ચાલુ રાખવામાં આવી છે, જે પણ માત્ર બગસરા અને સાવરકુંડલા પૂરતી જ સીમિત છે. બાકીના તમામ મહત્વના રૂટો એકાએક બંધ કરી દેવાતા ગ્રામજનોને ફરજિયાતપણે ખાનગી વાહનોના મોંઘા ભાડા ચૂકવીને મુસાફરી કરવી પડી રહી છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ આર્થિક રીતે ચગદાઈ રહ્યો છે. સરકારી નિયમો મુજબ ગ્રામીણ વિસ્તારોમાં પરિવહન સુવિધા આપવાની ફરજ હોવા છતાં, અધિકારીઓ પોતાની એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેસીને માત્ર અંદાજો લગાવીને રૂટો બંધ કરી રહ્યા હોવાનો લોકરોષ ફાટી નીકળ્યો છે. એક બાજુ પેટ્રોલ ડીઝલ ની અછત વર્તાઈ રહી છે ત્યારે એસ.ટી.ના રૂટો બંધ થવાથી પોતાના વાહનો માં મુસાફરી કરવી પડતી હોવાથી ડીઝલ પેટ્રોલ ની સમસ્યા પણ વિકરાળ બની છે..આ ગંભીર અને સંવેદનશીલ મુદ્દે ગોપાલગ્રામ લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અને જાણીતા સામાજિક આગેવાન શ્રી ચુનીભાઈ વાડદોરીયાએ ભારે આક્રોશ સાથે મેદાનમાં આવી સત્તાવાળાઓ સામે લેખિત રજૂઆતનો મોરચો માંડ્યો છે. તેમણે અમરેલીના વિભાગીય નિયામક, સ્થાનિક ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા તેમજ અમરેલી એસ.ટી. ડિવિઝન સલાહકાર સમિતિના સભ્ય શ્રી મેરામભાઈ વાળાને ધારદાર પત્ર પાઠવીને તંત્રની આ આપખુદશાહી સામે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. સામાજિક આગેવાનો અને ગ્રામજનોએ એકસૂરે માગણી કરી છે કે બંધ કરાયેલા તમામ લોંગ રૂટ તાકીદે પુનઃ શરૂ કરવામાં આવે અને ગોકળગાય ગતિએ ચાલતું રોડનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરાવી લોકોને હાલાકીમાંથી વહેલી તકે મુક્તિ અપાવવામાં આવે. તેવી માગણી કરવામાં આવી છે.
(12:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
