તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
ભુજ નગરપાલિકામાં ચીફ ઓફીસરની ડિજિટલ સહીનું કૌભાંડ; એક કર્મચારી બરતરફ, બીજો સસ્પેન્ડ
ચીફ ઓફિસર દ્વારા પોલીસને અરજી છતાં ફરિયાદ નોંધવામાં વિલંબ કેમ?, નગરપાલિકાની ઓફીસ રાત્રે ખોલી કરાતું હતું સહી કૌભાંડ, રાજકીય દબાણની ચર્ચાએ પકડ્યું જોર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૨ : ભુજ નગરપાલિકાની જન્મ-મરણ શાખામાં જન્મ-મરણના દાખલામાં કથિત ગેરરીતિ અને ચીફ ઓફિસરની ડિજિટલ સહીના દુરુપયોગનો મામલો સામે આવતા પાલિકાના વહીવટી તંત્રમાં ભારે ચકચાર મચી છે. સરકારી રેકર્ડ સાથે ચેડાં થયાની આશંકા ઊભી કરતા આ ગંભીર મામલામાં ચીફ ઓફિસર દ્વારા પોલીસને અરજી આપવામાં આવી હોવા છતાં એક સપ્તાહ બાદ પણ ફરિયાદ નોંધાઈ ન હોવાનું સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. એક તરફ સંબંધિત કર્મચારીઓ સામે તાત્કાલિક વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે, તો બીજી તરફ પોલીસ ફરિયાદમાં વિલંબને લઈને રાજકીય દબાણની ચર્ચાઓ પણ તેજ બની છે.
રાત્રિના સમયે દાખલા કાઢ્યાનો ઘટસ્ફોટ
પ્રાપ્ત વિગતો મુજબ, ભુજ નગરપાલિકાની જન્મ-મરણ શાખામાં તપાસ દરમિયાન રાત્રિના આઠ વાગ્યા બાદ જન્મ-મરણના દાખલા કાઢવામાં આવતા હોવાની બાબત ધ્યાનમાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ચીફ ઓફિસરની ડિજિટલ સહીનો કથિત દુરુપયોગ કરીને નિયમવિરુદ્ધ રીતે દાખલા કાઢવામાં આવ્યા હોવાની આશંકા સામે આવી હતી. આવા ત્રણ કિસ્સામાં પ્રાથમિક તબક્કે ગેરરીતિ થયાનું જણાતાં સમગ્ર મામલો ગંભીર બન્યો હતો.
આ ઘટનાને પગલે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. અહેવાલમાં જણાવ્યા અનુસાર, હંગામી કર્મચારી રેહાન માંજોઠીને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય કર્મચારી વિનય મહેતાને એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જોકે, આ વહીવટી કાર્યવાહી બાદ હવે સમગ્ર મામલે કાયદાકીય તપાસ કેટલી ઝડપથી આગળ વધે છે તે મહત્ત્વનું બન્યું છે.
ચીફ ઓફિસરની અરજી છતાં પોલીસ દ્વારા ફરિયાદ કેમ નથી નોધાઈ
આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે ચીફ ઓફિસર ટ્વિંકલબેન પટેલ જણાવ્યા મુજબ પોલીસને અરજી આપી દેવામાં આવી છે, ત્યારે હજી સુધી પોલીસ ફરિયાદ નોંધાવાની પ્રક્રિયા આગળ કેમ વધી નથી? સરકારી દસ્તાવેજો અને અધિકારીની ડિજિટલ સહીના કથિત દુરુપયોગ જેવા ગંભીર મુદ્દામાં ફરિયાદ નોંધવામાં થતો વિલંબ અનેક તર્કવિતર્કને જન્મ આપી રહ્યો છે. ચીફ ઓફિસર ટ્વિંકલબેન પટેલે ઘટનાને સમર્થન આપતાં પોલીસને અરજી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને ટૂંક સમયમાં ફરિયાદ નોંધાશે તેવી આશા વ્યક્ત કરી હતી. જોકે, તેમણે સંબંધિત કર્મચારીઓનાં નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ, આ મામલે રાજકીય દબાણ હોવાની ચર્ચાઓને તેમણે નકારી કાઢી હતી.
રાજકીય દબાણની ચર્ચા વચ્ચે અનેક સવાલો
પાલિકાના વર્તુળોમાં ચર્ચા છે કે આ પ્રકરણમાં સંડોવણીના આક્ષેપોનો સામનો કરી રહેલા કર્મચારીના ભાજપના વર્તમાન તથા પૂર્વ કાઉન્સિલર સાથે સંબંધ ધરાવતા હોવાની વાતને કારણે મામલો રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક રાજકીય આગેવાનો દ્વારા મામલો વધુ ચર્ચામાં ન આવે તેવા પ્રયાસો થઈ રહ્યા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, આ રાજકીય દબાણ અંગેના દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને ચીફ ઓફિસરે પણ દબાણ હોવાનો ઇનકાર કર્યો છે. તેથી આ દિશામાં તપાસ દરમિયાન હકીકતો સામે આવે તે જરૂરી છે. તેમ છતાં, પોલીસને અરજી અપાયા બાદ પણ ફરિયાદ નોંધવામાં વિલંબ થતો હોવાને કારણે સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અંગે સવાલો ઊભા થયા છે.
*2015 પહેલાંના દાખલામાં પણ ગેરરીતિ થઈ છે?*
આ પ્રકરણમાં માત્ર ત્રણ કિસ્સા પૂરતા જ ગેરરીતિ થઈ છે કે પછી અગાઉના વર્ષોમાં પણ આવા કિસ્સાઓ બન્યા છે, તે તપાસનો મુખ્ય વિષય બની શકે છે. ખાસ કરીને વર્ષ 2015 પહેલાંના જન્મ-મરણના દાખલામાં સુધારા, નામમાં ફેરફાર અને અન્ય વિગતોમાં થયેલી સંભવિત ગેરરીતિઓની પણ તપાસ કરવાની જરૂરિયાત ચર્ચાઈ રહી છે. જો રેકર્ડની વ્યવસ્થિત તપાસ કરવામાં આવે તો કેટલા દાખલામાં ફેરફાર કરાયા, કયા સમયગાળામાં આ પ્રક્રિયા ચાલી, કોની મંજૂરીથી દાખલા કાઢવામાં આવ્યા અને અન્ય કર્મચારીઓની કોઈ ભૂમિકા હતી કે નહીં, તે સહિતની મહત્ત્વપૂર્ણ વિગતો બહાર આવી શકે છે.
વહીવટી કાર્યવાહી પૂરતી નથી, જવાબદારી નક્કી થવી જરૂરી
જન્મ-મરણના દાખલા નાગરિકોના અત્યંત મહત્ત્વના સરકારી દસ્તાવેજો છે. આવા દસ્તાવેજોમાં નિયમવિરુદ્ધ ફેરફાર કે અધિકારીની ડિજિટલ સહીનો દુરુપયોગ થયો હોય તો તેની ગંભીરતાથી તપાસ થવી જરૂરી છે. માત્ર કર્મચારીઓને બરતરફ કે સસ્પેન્ડ કરવાથી સમગ્ર પ્રકરણનો અંત આવતો નથી; કથિત ગેરરીતિની હકીકત બહાર લાવવા અને જવાબદારી નક્કી કરવા માટે કાયદેસરની તપાસ અનિવાર્ય છે. હવે સૌની નજર એ બાબત પર છે કે પોલીસ આ અરજીના આધારે ક્યારે ફરિયાદ નોંધે છે, ડિજિટલ રેકર્ડની તપાસ કઈ રીતે કરે છે અને આ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી બહાર આવે છે કે નહીં. ચીફ ઓફિસરની અરજી છતાં ફરિયાદ નોંધવામાં થઈ રહેલો વિલંબ દૂર કરીને સમગ્ર મામલે પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થાય તે જ જાહેરહિતમાં જરૂરી છે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
