News of Saturday, 23rd May 2026
જેતપુરના સાડી ઉદ્યોગમાં બાળમજૂરોની નરકયાતનાનો પર્દાફાશ: પતરાના શેડમાં ગોંધી રાખી ૧૩ માસૂમ બાળકો પાસે કરાવવામાં આવતી કાળી મજૂરી, પોલીસની રેડમાં ચોંકાવનારો ખુલાસો!
યુપી, બિહાર અને ઝારખંડથી લાવીને સવારના ૭ થી રાતના ૧૨ વાગ્યા સુધી મજૂરી કરાવતા ક્રૂર માલિકો: માત્ર ૨૦૦ રૂપિયાના વેતન માટે બાળકોને અપાતી ધમકી, ૩ કારખાના માલિકો વિરુદ્ધ ગુનો નોંધાયો

જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના સાડી ઉદ્યોગના કારખાનાઓમાં ચાલી રહેલા બાળમજૂરીના એક ગંભીર અને માનવતાને શરમાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને જેતપુર ઉદ્યોગનગર પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ તપાસમાં એવું ભયાનક સત્ય બહાર આવ્યું છે કે, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી ગરીબીનો લાભ લઈને લવાયેલા ૧૩ બાળકોને કારખાનાના પતરાવાળા બંધ શેડમાં ગોંધી રાખવામાં આવતા હતા અને તેમની પાસે અમાનવીય રીતે કાળી મજૂરી કરાવવામાં આવતી હતી.
રેસ્ક્યુ કરવામાં આવેલા બાળકોની ઉંમર ૧૦ થી ૧૩ વર્ષની વચ્ચે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ માસૂમ બાળકોને સવારના ૭ વાગ્યાથી લઈને રાતના ૧૨ વાગ્યા સુધી કામ કરાવવામાં આવતું હતું. ૧૭ કલાકના આ આકરા કામના કલાકો દરમિયાન બાળકોને જમવા માટે માત્ર બે કલાકનો સમય મળતો હતો, અને તે બદલ તેમને દૈનિક માત્ર ૨૦૦ રૂપિયા જેવી નજીવી રકમ ચૂકવવામાં આવતી હતી. જો કોઈ બાળક થાકીને રજા માંગે કે કામ કરવાની ના પાડે, તો તેમને ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક કામ કરવા મજબૂર કરવામાં આવતા હતા.
ત્રણ સ્થળોએથી સફળ રેસ્ક્યુ:
પોલીસ અને સુરક્ષા વિભાગની ટીમે જેતપુરના વિવિધ વિસ્તારોમાં આ ઓપરેશન પાર પાડ્યું હતું:
· શિવ ફિનિશિંગ (નંદાનીયા નગર): અહીંથી ૧૨-૧૩ વર્ષના ૮ બાળકોને મુક્ત કરાયા.
· પૂર્વાંચલ ફિનિશિંગ (દાતાર તકીયા પાછળ): અહીંથી ૧૦-૧૩ વર્ષના ૪ બાળકોને બચાવાયા.
· રવિ પ્રિન્ટ્સ (શાંતિવન ઉદ્યોગ નગર): અહીંથી ૧ બાળકને મુક્ત કરવામાં આવ્યો.
માલિકો વિરુદ્ધ કાયદાનો ગાળિયો:
આ બાળકોને અત્યંત સુરક્ષિત રીતે ઉદ્યોગનગર પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને બાદમાં તેમને રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવ્યા છે. બાળમજૂરી કરાવીને કાયદાનું ઉલ્લંઘન કરનાર નિમેષ રાદડિયા, અન્સારી અલ્તાફ હુશેન અને મીત ભુવા નામના ત્રણ કારખાના માલિકો વિરુદ્ધ જુવેનાઇલ એક્ટ (બાળ ન્યાય અધિનિયમ) હેઠળ ગંભીર ગુનો નોંધી જેતપુર પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ જેતપુરના સાડી ઉદ્યોગમાં બાળમજૂરીના દુષણને ડામવા માટે વહીવટીતંત્રની સતર્કતા પર અનેક સવાલો પણ ઉભા કર્યા છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
