News of Monday, 26th October 2026
ગરીબ શ્રમિક પરિવારના બાળકને અંગ્રેજી માધ્યમની શાળામાં નિઃશુલ્ક પ્રવેશ અપાવાયોઃ શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનો સંવેદનશીલ અભિગમ

જામનગરઃ તા ૨૬, અમદાવાદમાં છેલ્લા આઠ વર્ષથી વસવાટ કરતા એક ગરીબ શ્રમિક દંપતીનો પુત્ર આશરે છ વર્ષ પહેલાં નેપાળના કાઠમંડુ ખાતે જન્મ્યો હતો. બાળકના પિતા ગુજરાતના અને માતા નેપાળનાં વતની હોવાથી પરિવારને વિવિધ સામાજિક અને વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. બાળક પાસે આધારકાર્ડ તથા કયુઆર કોડ ધરાવતો જન્મનો દાખલો ન હોવાના કારણે અમદાવાદની વિવિધ શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે પ્રયત્નો કરવા છતાં સફળતા મળી શકી નહોતી. પરિણામે, જરૂરી દસ્તાવેજોના અભાવે બાળકનું શિક્ષણ શરૂ થવામાં અવરોધ ઊભો થયો હતો.
આ સંવેદનશીલ બાબત સામાજિક અગ્રણીના ધ્યાન પર આવતાં તેમણે ં પ્રાથમિક શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરી બાળકને શિક્ષણનો અધિકાર મળે તે માટે રજૂઆત કરી હતી. મંત્રીએ આ રજૂઆતની નોંધ લઈને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ઉચ્ચ અધિકારીઓને બાળકને તાત્કાલિક પ્રવેશ આપવા માટે સૂચના આપી હતી.
આ રજૂઆતના હકારાત્મક પરિણામે બાળકને તેના વાલીની ઇચ્છા અનુસાર અંગ્રેજી માધ્યમની શાળામાં નિઃશુલ્ક પ્રવેશ મળી ગયો છે. આમ, દસ્તાવેજોના અભાવે શિક્ષણથી વંચિત રહી જવાની ભીતિ વચ્ચે જીવતા ગરીબ પરિવારના બાળક માટે શિક્ષણનાં દ્વાર ખૂલ્યાં છે અને તેના ઉજ્જવળ ભવિષ્યની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભરાયું છે.
આ સમગ્ર કાર્યવાહી બદલ સામાજિક અગ્રણીએ પ્રાથમિક શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકને શિક્ષણ મળે તે માત્ર પ્રવેશ અપાવવાની બાબત નથી, પરંતુ એક પરિવારના જીવનમાં આશાનો સંચાર કરવાનો અને બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો માનવતાપૂર્ણ પ્રયાસ છે.
તેમણે વધુમાં આશા વ્યક્ત કરી હતી કે રાજ્યમાં કોઈ પણ બાળક માત્ર જરૂરી દસ્તાવેજોના અભાવે શિક્ષણથી વંચિત ન રહે અને દરેક બાળકને શિક્ષણની સમાન તક મળી રહે તે માટે આવી સંવેદનશીલ કાર્યવાહી સતત થતી રહેશે. બાળકને શાળામાં પ્રવેશ અપાવવાની આ કામગીરી બદલ તેમણે મંત્રીશ્રીનો જાહેરમાં આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યાં હતાં.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
