તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
જામનગર મહાનગરપાલિકામાં નવા મેયર સહિતના હોદ્દેદારો માટે મંથન તેજ
મેયર પદ મહિલા અનામત હોવાથી ૩૦ મહિલા કોર્પોરેટરોમાંથી પસંદગીનો ધમધમાટઃ ડેપ્યુટી મેયર-સ્ટેન્ડિંગ ચેરમેન માટે પણ અનેક દાવેદારો સક્રિય

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭: જામનગર મહાનગરપાલિકામાં નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્વપૂર્ણ હોદ્દેદારોની નિમણૂક માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સંભવિત નામો ભાજપના પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મંથન માટે મૂકવામાં આવ્યા છે અને આગામી તા. ૯ કે ૧૦ મે સુધીમાં અંતિમ જાહેરાત થવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ વખતે જામનગર મહાનગરપાલિકામાં મેયર પદ મહિલાઓ માટે અનામત જાહેર થયું હોવાથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લગભગ ૩૦ મહિલા કોર્પોરેટરોમાંથી મેયર તરીકે કોની પસંદગી થશે તે મુદ્દે ભારે ચર્ચા જામી છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટાભાગના મહિલા કોર્પોરેટરોને વ્યક્તિગત રીતે સાંભળવામાં આવ્યા હતા. સાથે જ વોર્ડ સ્તરના પ્રમુખ-મહામંત્રી અને પક્ષના મુખ્ય કાર્યકરોના મંતવ્યો પણ લેવામાં આવ્યા હતા. સક્રિયતા, સંગઠનક્ષમતા અને જનસંપર્કને ધ્યાને રાખીને સંભવિત ઉમેદવારોના નામો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરાયા છે.
મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ અનેક દાવેદારો સક્રિય થયા છે. અગાઉ હોદ્દાથી વંચિત રહી ગયેલા કેટલાક પૂર્વ કોર્પોરેટરો દ્વારા પણ પ્રબળ દાવેદારી નોંધાવવામાં આવી છે. જ્ઞાતિ-સમીકરણો, પ્રાદેશિક સંતુલન અને રાજકીય વફાદારીને ધ્યાનમાં રાખીને અંતિમ પસંદગી કરવામાં આવશે.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
