<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

અમરેલીના પટવા દરિયાકાંઠે ત્રણ સિંહો વચ્ચે ટક્કર : જીવ બચાવવા દરિયામાં ઊતરેલા છ વર્ષના સિંહનું ડૂબી જતાં મોત

પીપાવાવ બંદરની જેટી નજીકથી સિંહનો મૃતદેહ મળ્યો : પોસ્ટમોર્ટમમાં ડૂબી જવાથી મોત થયાનો ખુલાસો : વન વિભાગે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી

અમરેલી: અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં પટવા ગામ નજીક સોમવારે ત્રણ સિંહો વચ્ચે વર્ચસ્વની લડાઈ થયાની આશંકા વચ્ચે એક સિંહનું કરુણ મોત નીપજ્યું છે. રાજુલા રેન્જના વન અધિકારી ડી. કે. મકવાણાના જણાવ્યા મુજબ અન્ય બે સિંહો સાથેના સંઘર્ષથી બચવા આશરે છ વર્ષનો સિંહ ચાંચ બંદર નજીકથી અરબી સમુદ્રમાં ઊતરી ગયો હતો.

મંગળવારે બપોરે આશરે ૧:૩૦ વાગ્યે પટવાના દરિયાકાંઠાથી ત્રણ કિલોમીટર દૂર પીપાવાવ બંદરની જેટી નજીક તેનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. બંદરના કર્મચારીઓએ જાણ કરતાં વન વિભાગની ટીમ પહોંચી હતી. સ્થાનિકોએ સિંહને દરિયામાં ઊતરતો જોયો હોવાનું જણાવ્યું હતું. વનકર્મીઓને તેના પગલાંનાં નિશાન પણ મળ્યાં હતાં.

પોસ્ટમોર્ટમમાં સિંહનું મોત ડૂબી જવાથી થયાનું બહાર આવ્યું છે. વન અધિકારીના જણાવ્યા મુજબ સિંહો તરી શકે છે, પરંતુ આ સિંહ લાંબું અંતર તરતાં થાકી ગયો હોવાની શક્યતા છે. પટવા, ચાંચ બંદર અને પીપાવાવનો દરિયાકાંઠો સિંહોના અવરજવર વિસ્તારનો ભાગ છે.

(10:46 PM IST)