<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

માતાના મઢ દર્શન કરી પરત ફરતી વેળાએ કાળનો પંજો: ધાણેટી નજીક ટ્રકે એક્ટિવાને કચડતાં મોરબીની ૨૩ વર્ષીય પરિણીતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત

હૃદયસ્પર્શી અકસ્માતમાં ત્રણ વર્ષના માસૂમ બાળકનો ચમત્કારિક બચાવ, ભાઈને ઈજાઓ; બેદરકાર ટ્રક ચાલક સામે ગુનો દાખલ

ભુજ : આસો નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે કચ્છના કુળદેવી આઈ મા આશાપુરાના ધામ માતાના મઢ ખાતે દર્શનાર્થે આવતા પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ પર અકસ્માતનો કાળમુખો પંજો યથાવત રહ્યો છે. મા આશાપુરાના દર્શન કરીને પરિવાર સાથે પરત ફરી રહેલી મોરબીની ૨૩ વર્ષીય પરિણીતાને ભુજ તાલુકાના ધાણેટી ગામ નજીક સર્વિસ રોડ પર એક તોતિંગ ટ્રકે કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ અત્યંત કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ગમખ્વાર દુર્ઘટનાને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતી ૨૩ વર્ષીય બિનલબેન દીપકભાઈ મિયાત્રા પોતાના ભાઈ કેવિન અને ત્રણ વર્ષના માસૂમ પુત્ર સાથે નવરાત્રિ પૂર્વે માતાના મઢ ખાતે દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરીને ધન્યતા અનુભવ્યા બાદ આ પરિવાર એક્ટિવા મોટરસાઈકલ પર સવાર થઈ પોતાના વતન મોરબી પરત ફરી રહ્યો હતો. એક્ટિવા ભાઈ કેવિન ચલાવી રહ્યો હતો, જ્યારે બિનલબેન પોતાના માસૂમ બાળકને ખોળામાં બેસાડીને પાછળ બેઠા હતા.

ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર આવેલા ધાણેટી ગામ નજીક સર્વિસ રોડ પરથી પસાર થતી વખતે આગળ જઈ રહેલા એક ટ્રકના ચાલકે કોઈપણ પ્રકારનું સિગ્નલ આપ્યા વિના કે ધ્યાન રાખ્યા વગર અચાનક જ પોતાનું વાહન ડાબી સાઈડમાં દબાવી દીધું હતું. અચાનક ટ્રક વળી જતાં પાછળ આવી રહેલું એક્ટિવા તેની ચપેટમાં આવી ગયું હતું. આ જોરદાર ટક્કરને કારણે બિનલબેન રસ્તા પર પટકાતાં ટ્રકના ભારેખમ વ્હીલ નીચે કચડાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓને કારણે તેમનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

આ ભયાનક અકસ્માતમાં એક તરફ માતાનો કરુણ અંત આવ્યો હતો, તો બીજી તરફ માતાના ખોળામાં રહેલા ત્રણ વર્ષના માસૂમ પુત્રનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો, જ્યારે વાહન ચલાવી રહેલા ભાઈ કેવિનને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. દર્શનથી પરત ફરતી વખતે જ ક્ષણવારમાં સર્જાયેલી આ કરૂણાંતિકાથી ઘટનાસ્થળે હાજર લોકોના કાળજા કંપી ગયા હતા.

અકસ્માત સર્જાતાં જ હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે બેદરકારીપૂર્વક વાહન હંકારીને પરિણીતાનો જીવ લેનાર ટ્રકચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

માતાજીના દર્શન કરીને ખુશી-ખુશી ઘર તરફ પરત ફરી રહેલી યુવાન પરિણીતાના આકસ્મિક અવસાનના સમાચાર મોરબી પહોંચતા જ નાની વાવડી ગામ અને પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. માસૂમ બાળકે છત ગુમાવતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

(6:58 PM IST)