<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

જામનગરના દરિયાકાંઠે ‘સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર ૫.૦’ ની ધૂમ: રોઝી અને બાલાચડી બંદરે યોજાઈ વિશાળ મેગા બીચ ક્લીનલીનેસ ડ્રાઈવ!

વિજ્ઞાન ગુર્જરી, મહાનગરપાલિકા અને યુવાનોના સંયુક્ત ઉપક્રમે ટનબંધ પ્લાસ્ટિક કચરો કરાયો એકત્ર: ‘સે નો ટુ પ્લાસ્ટિક’ ના નારા સાથે માનવ સાંકળ રચાઈ અને લેવાઈ સામૂહિક પ્રતિજ્ઞા

જામનગર : અંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસ (International Coastal Cleanup Day) ના પાવન અવસરે જામનગરના ઐતિહાસિક રોઝી બંદર અને બાલાચડી બંદર ખાતે ‘સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર ૫.૦’ અભિયાન અંતર્ગત ભવ્ય અને બૃહદ મેગા બીચ ક્લીનલીનેસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની પ્રેરણાથી તેમજ વિજ્ઞાન ગુર્જરી, જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ, વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ના સંયુક્ત સાહસથી આ ભગીરથ સફાઈ ઝુંબેશ યોજાઈ હતી.

 

આ અભિયાનમાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ, પર્યાવરણ પ્રેમી નાગરિકો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા. રોઝી બંદર અને બાલાચડીના વિશાળ દરિયાકિનારેથી ટનબંધ બિન-પ્રક્રિયાત્મક પ્લાસ્ટિક અને અન્ય કચરો એકત્ર કરીને દરિયાકાંઠાને સંપૂર્ણ સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. જળચળ સૃષ્ટિ, માછલીઓ અને દરિયાઈ પક્ષીઓના રક્ષણ માટે પ્લાસ્ટિક મુક્ત દરિયાકિનારો કેટલો અનિવાર્ય છે તે અંગે સ્થાનિકો અને પ્રવાસીઓને માહિતગાર કરાયા હતા.

 

સાયક્લોથોન, મેરેથોન અને ઓશન ઓલમ્પિયાડનું અનોખું આયોજન

 

સફાઈ ઝુંબેશ ઉપરાંત પર્યાવરણ અને આરોગ્ય જાગૃતિ અર્થે સાયક્લોથોન તથા મેરેથોનનું પણ વિશિષ્ટ આયોજન કરાયું હતું, જેના દ્વારા નાગરિકોને ફિટનેસ અને સ્વચ્છતાનો બહેતર સંદેશ આપવામાં આવ્યો હતો. આ સિવાય દરિયાઈ સંરક્ષણ કાજે ઉપસ્થિત તમામ લોકોએ એકબીજાના હાથ પકડીને વિશાળ માનવ સાંકળ રચી હતી તથા ‘સે નો ટુ પ્લાસ્ટિક’ માટે ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી સામૂહિક સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. યુવા વિદ્યાર્થીઓમાં દરિયાઈ વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે તે અર્થે ‘ઓશન ઓલમ્પિયાડ’ સ્પર્ધાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

 

(6:59 PM IST)