<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

‘વઢવાણના ઉતારા'માં ગ્રામ્‍ય DEO કચેરીને જગ્‍યા ફાળવતા કલેકટરઃ ભાડાનો આર્થિક બોજ નીકળી જશે

અરજદારોની મુશ્‍કેલી હળવી બનશે : પૂરતો સ્‍ટાફ અને નવી સિસ્‍ટમ હવે ચાલુ કરાશે

રાજકોટ, તા.૨૬: જિલ્લા ગ્રામ્‍ય વિસ્‍તારના શિક્ષણ વિભાગ માટે મહત્‍વની કાર્યવાહી થઇ છે. જિલ્લા કલેક્‍ટરની મંજૂરીથી વઢવાણ વિસ્‍તારના ઉતારા ખાતે રાજકોટ ગ્રામ્‍ય ડીઈઓ (જિલ્લા શિક્ષણ અધિકારી) કચેરીના અપગ્રેડેશનને મંજૂરી આપવામાં આવી છે.

જેનાથી સ્‍થાનિક શિક્ષણ વ્‍યવસ્‍થા વધુ સક્રિય અને કાર્યક્ષમ બનશે. તેમ જ સેવાઓ વધુ ઝડપી રીતે ગ્રામ્‍ય વિસ્‍તારો સુધી પહોંચશે. આ મંજૂરી અંગે અધીકારીઓએ ઉમેર્યુ હતુ કે  રાજકોટ શહેરના મધ્‍યમાં આવેલા ઐતિહાસિક અને સરકારી માલિકીના ‘વઢવાણના ઉતારા' પરિસરમાં ગ્રામ્‍ય ડીઈઓ કચેરીને જગ્‍યા ફાળવવામાં આવી છે.

વહીવટી સરળતા અને સરકારી મિલકતોના યોગ્‍ય ઉપયોગના ભાગરૂપે જિલ્લા કલેકટર દ્વારા આ પ્રસ્‍તાવને લીલીઝંડી આપવામાં આવી છે. વઢવાણનો ઉતારો કેન્‍દ્ર સ્‍થાને હોવાથી ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી આવતા શિક્ષકો, આચાર્યો અને વાલીઓ માટે અહીં પહોંચવું સરળ બનશે.નવી જગ્‍યામાં પૂરતી સ્‍પેસ હોવાને કારણે વહીવટી કામકાજ વધુ ઝડપી બનશે અને અરજદારોને પડતી મુશ્‍કેલીઓનો અંત આવશે. ખાલી પડેલી સરકારી જગ્‍યાનો યોગ્‍ય સરકારી કચેરી માટે ઉપયોગ થતાં વહીવટી તંત્રને ભાડાના આર્થિક બોજમાંથી પણ મુક્‍તિ મળશે.

ખૂબ જ ટૂંક સમયમાં આ નવી કચેરી સત્તાવાર રીતે ધમધમતી થઈ જશે, જેનાથી રાજકોટ ગ્રામ્‍યના શિક્ષણ વહીવટને એક નવી ગતિ મળશે. આ કચેરીમાં પર્યાપ્ત સ્‍ટાફ, કમ્‍પ્‍યુટરાઈઝ્‍ડ સિસ્‍ટમ અને જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવશે. 

(2:48 PM IST)