<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

કચ્છના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની કલેક્ટર અનિલ રાણાવસિયાએ મુલાકાત લઈ વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી : શિક્ષણ, પીવાના પાણી, આરોગ્ય, ખેતી, પીજીવીસીએલ સહિતના વિવિધ પ્રશ્નો અંગે સ્થાનિક તંત્ર પાસેથી માહિતી મેળવી

કલેક્ટરે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા અને શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા પર ભાર મૂક્યો : શાળાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી પ્રશ્નોત્તરી કરી : શિક્ષણ અને અભ્યાસ અંગે ચર્ચા કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૨ :  કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ વાગડ વિસ્તારના રાપર તાલુકાના શાનગઢ, કારુડા, જેસડા અને ખેંગારપર સહિતના ગામોની મુલાકાત લઈ ગ્રામ્ય વિસ્તારની વિવિધ સમસ્યાઓ અને વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી.

           ગ્રામીણ વિસ્તારોની મુલાકાત દરમિયાન કલેક્ટર અનિલ રાણાવસિયા સાથે મદદનીશ કલેક્ટર અભિષેક ટાલે, મામલતદાર એચ.બી. વાઘેલા તથા તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓની ટીમે ગામોમાં શિક્ષણ, પીવાના પાણી, આરોગ્ય, ખેતી, પીજીવીસીએલ સહિતના વિવિધ પ્રશ્નો અંગે સ્થાનિક તંત્ર પાસેથી માહિતી મેળવી હતી.                       કલેક્ટરે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા અને શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા પર ભાર મૂક્યો હતો. શાળાની મુલાકાત દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી પ્રશ્નોત્તરી કરી હતી તેમજ શિક્ષણ અને અભ્યાસ અંગે ચર્ચા કરી હતી.

મુલાકાત દરમિયાન ગામના લોકો સાથે પણ સંવાદ કરી તેમની સમસ્યાઓ અને રજૂઆતો જાણી હતી. ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી યોગ્ય કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ ગ્રામ્ય મુલાકાત દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(2:10 PM IST)