<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

મોરબીના હળવદ તાલુકાના માલણીયાદમાં પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકો સાથે કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ટેલિફોનિક સંવાદ કરી આપી ધીરજ : જુઓ વિડીયો

ખરાબ હવામાન વચ્ચે પણ ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા NDRFની ટીમ રવાના : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરીનું પળેપળનું મોનિટરિંગ

(જયેશ ભટાસણા દ્વારા)  ટંકારા: મોરબી જિલ્લામાં અતિભારે વરસાદના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે મુશ્કેલીમાં મુકાયેલા દરેક નાગરિકની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર પૂર્ણપણે સક્રિય બન્યું છે. પળેપળનું મોનિટરિંગ કરીને રાહત અને બચાવ કામગીરી વેગવંત બનાવવામાં આવી રહી છે. દરમિયાન હળવદ તાલુકાના માલણીયાદ ગામે પૂરના પાણી વચ્ચે ફસાયેલા નાગરિકોનું મનોબળ જાળવી રાખવા માટે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ રૂબરૂ ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

 

જિલ્લા કલેક્ટરે ફસાયેલા લોકો સાથે સીધો સંવાદ સાધીને સ્થળ પરની સ્થિતિ જાણી હતી અને લોકોને સહેજ પણ ગભરાયા વગર ધીરજ અને સાંત્વના રાખવા અપીલ કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે વહીવટી તંત્ર દરેક નાગરિકની સલામતી માટે કટિબદ્ધ છે.

 

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો છે. ખરાબ હવામાન હોવા છતાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે NDRFની ટીમને તાત્કાલિક માલણીયાદ રવાના કરી દેવામાં આવી છે. NDRFની ટીમ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચીને તમામ લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(12:00 AM IST)