<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

કચ્છના કંડલા દરિયામાં બે મહાકાય જહાજો વચ્ચે ટક્કર : એક જહાજ ડૂબવાની સ્થિતિમાં : ૨૧ ક્રૂ મેમ્બર્સનું કોસ્ટ ગાર્ડે દિલધડક રેસ્ક્યૂ

OTB એન્કરેજથી ૧૪ નોટિકલ માઈલ દૂર મધદરિયે કોલસા અને ચોખા ભરેલા બે જહાજ વચ્ચે અકસ્માત : પોર્ટની કામગીરી ચાલુ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૨ : કચ્છના કંડલા પોર્ટ (દીનદયાળ પોર્ટ) નજીક મધદરિયે બે મહાકાય માલવાહક જહાજો વચ્ચે ભીષણ ટક્કર થતાં દરિયાઈ સુરક્ષા અંગે ચકચાર મચી ગઈ છે. કંડલાના આઉટર ટુના બોયા (OTB) એન્કરેજથી આશરે ૧૪ નોટિકલ માઈલ દૂર ખુલ્લા સમુદ્રમાં ઈન્ડોનેશિયાથી આશરે ૮૫,૯૬૮ ટન કોલસો ભરીને આવેલા ‘MV KMAX EMPEROR’ અને ચોખા ભરેલા ‘MARINER’ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી.

ટક્કર એટલી ગંભીર હતી કે કેમેક્સ એમ્પરર જહાજના આગળના ભાગને મોટું નુકસાન થતાં તેમાં દરિયાનું પાણી ઘૂસવા લાગ્યું હતું. જહાજ પાણીમાં સામાન્ય સપાટી કરતાં નીચે બેસી જતાં તે ડૂબવાની સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્મત બાદ જહાજમાં ઝડપથી પાણી ભરાવા લાગતાં જીવ બચાવવા માટે ખલાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. પરિસ્થિતિ વધુ ગંભીર બનતાં કેટલાક ક્રૂ મેમ્બર્સે દરિયામાં છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતાં જ ભારતીય તટરક્ષક દળ (Indian Coast Guard), પોર્ટ પ્રશાસન તથા મરીન કંટ્રોલ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. કોસ્ટ ગાર્ડના જહાજો તથા વિશેષ ટગ બોટ દ્વારા દરિયાના પડકારજનક મોજાં વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કેમેક્સ એમ્પરર પર સવાર કુલ ૨૪ ક્રૂ મેમ્બર્સમાંથી ૨૧ સભ્યોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા હતા. કોસ્ટ ગાર્ડની ઝડપી કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી.

 

 

કેપ્ટન સહિત ત્રણ અધિકારીઓ જહાજ પર

 

 

જહાજની ટેકનિકલ સ્થિતિનું મૂલ્યાંકન તથા જરૂરી કામગીરી માટે કેપ્ટન અને બે ચીફ એન્જિનિયર સહિત ત્રણ મુખ્ય અધિકારીઓ જહાજ પર જ રોકાયા હોવાનું જાણવા મળે છે. અકસ્માત બાદ જહાજની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આગળની કામગીરી માટે સંબંધિત એજન્સીઓ દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે.

*ઓઈલ સ્પિલ રોકવા તંત્ર એલર્ટ*

જહાજને થયેલા નુકસાનને પગલે દરિયામાં ઓઈલ સ્પિલ કે અન્ય પ્રકારનું પ્રદૂષણ ન ફેલાય તે માટે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પોલ્યુશન રિસ્પોન્સ પ્રોટોકોલ સક્રિય કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ સહિતની કેન્દ્રીય એજન્સીઓ અને સંબંધિત તંત્ર સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.

 

 

કંડલા પોર્ટની કામગીરી પર અસર નહીં

 

મધદરિયે ગંભીર અકસ્માત સર્જાયો હોવા છતાં કંડલા પોર્ટની દૈનિક વ્યાપારી અને શિપિંગ કામગીરી રાબેતા મુજબ ચાલુ હોવાનું પોર્ટ પ્રશાસન દ્વારા જણાવાયું છે. અકસ્માતને કારણે પોર્ટની સામાન્ય કામગીરી પર કોઈ અસર પડી નથી. બંને જહાજો કયા સંજોગોમાં અને કેવી રીતે એકબીજા સાથે અથડાયા તે અંગેની ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ અકસ્માતનું ચોક્કસ કારણ અને બંને જહાજને થયેલા નુકસાન અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

(9:32 AM IST)