તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
કેશોદ ભારત વિકાસ પરિષદની સરાહનીય કામગીરીઃ જુના રમકડા નવું સ્મિત !
સેવાકીય સંસ્થાએ એકત્રિત કરેલ નાની મોટી સાઇકલ સહિત ૩૩૭ જેટલા જુના રમકડાનું વિતરણ કરી જરૂરિયાત મંદ બાળકોને વહેંચી અગણિત ખુશીઓ ઘરમાં પડેલા કેટલાય જુના છતાં સારી સ્થિતિના રમકડાઓ કે જે સુખી સંપન્ન લોકો માટે નકામા બની જતા હોય છે પરંતુ આ રમકડાથી રમવું એ જરૂરતમંદ બાળકોનું સ્વપ્ન હોય છે તે બાબતને ધ્યાને લઈ સંસ્થાની ટીમે શહેરના માર્ગો પર ફરી ઉઘરાવ્યા જુના રમકડા

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.પઃ કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા સ્થાનિક કેશોદ શહેરમાં થી એકત્રિત કરાયેલ સારી સ્થિતિમાં નાની-મોટી સાઇકલ સહિત ૩૩૭ જેટલા જુના રમકડા જરૂરત મંદ બાળકોને વિતરણ કરવામાં આવેલ હતા. અત્રે નોંધનીય છે કે, આ સેવાકીય સંસ્થા દ્વારા નિસ્વાર્થ ભાવે આ સરાહનીય કામગીરી છેલ્લા બે વર્ષથી કરવામાં આવે છે.
તાજેતરમા અત્રેની આંબાવાડી ખાતે આવેલ દીનદયાલ ઉપાધ્યાય ઉધાન ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમ, સ્થાનિક નગરપાલિકાના પ્રમુખ, પ્રતીક્ષાબેન દેવળીયા, શહેર ભાજપ ના મહામંત્રી ગૌરાંગભાઈ વ્યાસ, ભરતભાઈ પ્રજાપતિ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ‘‘જુના રમકડા નવું સ્મિત !'' અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શહેર માં થી એકત્રિત કરાયેલ વિવિધ પ્રકારના જુદા જુદા રમકડા જરૂરિયાતમંદ બાળકોને આપી બાળકોના ચહેરા પર સ્મિત ફેલાવેલ હતું.
વિવિધ પ્રકારના જુદા જુદા મોંઘા અને કિંમતી રમકડાઓ સહિતની ચીજ વસ્તુઓ કે જેનાથી સુખી સંપન્ન લોકોના બાળકોએ રમી લીધા બાદમા તેમના માટે નકામા (બિન ઉપયોગી) બની જતા હોય છે. પરંતુ આ પ્રકારના રમકડા થી રમવું એ આર્થિક નબળી સ્થિતિ ધરાવતા લોકોના બાળકો નું સ્વપ્ન હોય છે, જે તેઓ ખરીદી શકતા નથી. તે બાબતને ધ્યાને લઈ હાલ દિવાળી સમય હોય, ચાલી રહેલ સાફ-સફાઈ દરમિયાન ઘરમાં રહેલા બિનજરૂરી રમકડા ભંગારમાં આપી દેવામાં આવે અથવા ડસ્ટબિનમાં ફેંકી દેવામાં આવે તે પૂર્વે આ તકે ભારત વિકાસ પરિષદ દ્વારા ઘરમાં રહેલ જુના અને બિન ઉપયોગી છતાં સારી સ્થિતિ ના રમકડા બહાર ફેંકી દેવા કે ભંગારમાં આપવાના બદલે અન્ય જરૂરતમંદ બાળકો રમી અને આનંદ માણી શકે તે માટે આવા રમકડા સંસ્થાને સુપ્રત કરી આ સેવાકીય કાર્યમાં સહયોગી બનવા શહેરીજનોને અનુરોધ કરેલ હતો.
દરમિયાન ભારત વિકાસ પરિષદના પ્રમુખ આર. પી. સોલંકી, સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો.સ્નેહલભાઈ તન્ના, સંસ્થાના સંયોજક જગમાલભાઈ નંદાણીયા સહિત અગ્રણીઓ ના માર્ગદર્શન હેઠળ આ સેવાકીય સંસ્થા ની ટીમ શહેરના માર્ગો પર ફરી લગભગ ૩૭ જેટલી નાની મોટી સાઇકલ તથા વિવિધ પ્રકારના જુદા જુદા ૩૦૦ જેટલા રમી શકાય તેવા સારી સ્થિતિના જુના રમકડાઓ એકત્રિત કરી, આ અંગે યોજાયેલ જાહેર કાર્યક્રમ માં ઉપસ્થિત જરૂરત મંદ બાળકોને રમવા માટે આપી દીધેલ હતા.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
