તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
જામનગરમાં નેત્રમ શાખાની સરાહનીય કામગીરી :એક સપ્તાહમાં વધુ ચાર અરજદારોને પણ રાહત
રીક્ષા ઉપર ભૂલાઈ ગયેલા રૂ.૨૦ હજારના રમકડાં-ડેકોરેશનના પાર્સલ કલાકોમાં શોધી માલિકને પરત અપાયા

જામનગર :જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.કે. પંડયાની સૂચના હેઠળ જામનગર પોલીસની કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની નેત્રમ શાખા દ્વારા સીસીટીવી કેમેરા સર્વેલન્સના માધ્યમથી અરજદારોનો ખોવાયેલો સામાન શોધી પરત અપાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
દિલ્હીના અબ્દુલ ગફાર અબ્દુલ ઝબ્બાર નામના ૩૦ વર્ષીય અરજદાર લોકમેળામાં સામાન વેચવા માટે જામનગર આવ્યા હતા. તા.૭ સપ્ટેમ્બરના રોજ સાંજે જનતા ફાટકથી લોકમેળા તરફ રિક્ષામાં જતા સમયે રિક્ષાની છત પર રાખેલા બે પાર્સલ ઉતારવાનું ભૂલી ગયા હતા. આ પાર્સલમાં રમકડાના ઢોલક, તોરણ તથા ડેકોરેશનનો સામાન મળી અંદાજે રૂ.૨૦,૦૦૦ની કિંમતનો માલ હતો.
અરજદારની અરજી મળ્યા બાદ પો.સબ.ઇન્સ્પેક્ટર બી.બી. સિંગલના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ સોઢા, પો.કોન્સ્ટેબલ લીલાબેન મકવાણા, મિતલબેન સાવલિયા અને જેશાભાઈ ડાંગર સહિતના સ્ટાફે સાત રસ્તા વિસ્તારના અલગ-અલગ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા.
સીસીટીવીના આધારે રિક્ષા નં. GJ-10-TW-1042 હોવાનું તથા રિક્ષા A-025 હોવાનું જાણવા મળ્યું હતું. રિક્ષા માલિકનો મોબાઇલ નંબર મળતો ન હોવાથી સિટી ‘એ’ ડિવિઝનનો સંપર્ક કરી ઓટો રિક્ષા ડેટાબેઝમાંથી રિક્ષાચાલકનો વૈકલ્પિક મોબાઇલ નંબર મેળવવામાં આવ્યો હતો. ત્યારબાદ રિક્ષાચાલકનો સંપર્ક કરી તેની પાસેથી બંને પાર્સલ તથા તેમાં રહેલો સમગ્ર સામાન જે તે સ્થિતિમાં ગણતરીની કલાકોમાં શોધી અરજદારને પરત અપાવવામાં આવ્યો હતો.
એક સપ્તાહમાં વધુ ચાર અરજદારોને પણ રાહત
નેત્રમ શાખા દ્વારા છેલ્લા એક સપ્તાહ દરમિયાન અન્ય ચાર અરજદારોનો ખોવાયેલો જરૂરી સામાન પણ શોધી પરત અપાવવામાં આવ્યો છે. જેમાં આશરે રૂ.૪,૦૦૦ની બેટરી, રોજિંદા કામકાજ માટેની અત્યંત જરૂરી ડાયરી, ભજન-કીર્તનની ખંજરી તથા એક અરજદારની જરૂરી દસ્તાવેજોની ફાઇલનો સમાવેશ થાય છે.
સીસીટીવી સર્વેલન્સ, આરટીઓ ડેટાબેઝ અને પોલીસ સ્ટાફના સંકલિત પ્રયાસોથી લોકોને તેમનો ખોવાયેલો સામાન પરત મળી રહ્યો છે, જેને કારણે નેત્રમ શાખાની કામગીરીને લોકોમાં પ્રશંસા મળી રહી છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
