<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

શ્રદ્ધા-ભક્તિ સાથે જનસેવાનો સંકલ્પ : સાંસદ વિનોદભાઈ ચાવડા આજથી પગપાળા માતાના મઢ જશે

દીર્ઘાયુષ્ય અને જનસુખાકારીની પ્રાર્થના સાથે મીરઝાપરથી પદયાત્રાનો પ્રારંભ, માઈભક્તો સાથે વિવિધ સેવા કેમ્પોની મુલાકાત લઈ સેવાભાવી સંસ્થાઓને બિરદાવશે

(વિનોદ ગાલા દ્વારા ભુજ) કચ્છની કુળદેવી અને માતાના મઢ ખાતે સ્વયંભૂ પ્રાગટ્ય સ્વરૂપે બિરાજમાન માં આશાપુરાના દર્શન માટે દર વર્ષે હજારો માઈભક્તો પગપાળા, સાઇકલ તેમજ વિવિધ વાહનો દ્વારા યાત્રા કરે છે. આ ભક્તિભાવની પરંપરામાં કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પણ પોતાના શુભેચ્છકો અને માઈભક્તો સાથે પદયાત્રાનો સંકલ્પ લઈને માતાના ચરણે જઈ રહ્યા છે. સાંસદ  વિનોદભાઈ ચાવડા આજે સાંજે ૬ વાગ્યે મીરઝાપર પાસે તેમનીસંસ્થા દ્વારા સંચાલિત “માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ” ખાતેથી પદયાત્રાનો પ્રારંભ કરશે. જનસુખાકારી, સેવા સંકલ્પ અને દીર્ઘાયુષ્યની પ્રાર્થના સાથે યોજાનારી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાય તેવી અપેક્ષા છે.

પદયાત્રી સેવાકેમ્પ અંગે સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે, વર્ષોથી સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજિત “માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ” માત્ર યાત્રાળુઓ માટે આરામનું સ્થળ નથી, પરંતુ સેવા અને સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. કેમ્પમાં કચ્છ પ્રત્યે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સંવેદના તેમજ વિવિધ સરકારી યોજનાઓની ઝલક રજૂ કરતી પ્રતિકૃતિઓ અને સેલ્ફી પોઈન્ટ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને કેમ્પમાં મિલેટ્સ (બાફેલું કઠોળ), સ્વાદિષ્ટ નાસ્તો, એનર્જી સોફ્ટ ડ્રિંક સહિતની વ્યવસ્થા સાથે મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. રાત્રિના સમયે પદયાત્રીઓની સલામતી વધે તે માટે તેમના બેગ ઉપર રેડિયમ પટ્ટી લગાવવાની વ્યવસ્થા તેમજ મોબાઇલ ચાર્જિંગની સુવિધા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત “પ્લાસ્ટિક મુક્ત ભારત”ના સંદેશ સાથે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવશે.

સાંસદ શ્રી ચાવડા પદયાત્રા દરમિયાન માર્ગમાં આવેલા વિવિધ સેવા કેમ્પોની મુલાકાત લેશે અને માઈભક્તોની સેવા માટે ખડેપગે રહેતા સેવાભાવી કાર્યકરો તથા સંસ્થાઓની સેવાભાવનાને બિરદાવશે. તેમણે વધુમાં વધુ યાત્રાળુઓને સેવા સંકલ્પ કેમ્પનો લાભ લેવા અને પદયાત્રા દરમિયાન સલામતી તથા સ્વચ્છતાનું ધ્યાન રાખવા લોકઅપીલ કરી છે.

આ પદયાત્રા માત્ર માતાના દર્શન માટેની ધાર્મિક યાત્રા નહીં, પરંતુ “ભક્તિ સાથે સેવા અને સેવા સાથે જનસુખાકારી”નો સંદેશ આપતી યાત્રા બની રહે તેવો ભાવ સાંસદ શ્રી ચાવડાએ વ્યક્ત કર્યો છે.

(9:29 AM IST)