<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

મોરબી મહાનગરપાલિકા દ્વારા નાઈટ ડ્રાઈવ યોજી ૧૪ નિરાધારોને આશ્રયગૃહમાં આશરો અપાયો

 

મોરબી તા.૧૯: મોરબી શહેરમાં રાત્રિના સમયે ફૂટપાથ કે જાહે૨ સ્‍થળો પર સૂવા મજબૂર બનેલા ઘરવિહોણા અને નિરાધાર લોકો માટે 'નાઈટ ડ્રાઇવ' યોજવામાં આવી હતી, જેમાં સમજાવટ બાદ ૧૪ જેટલા નિરાધારોને સન્‍માનપૂર્વક આશ્રયગૃહ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા.

રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (દીન દયાળ અંત્‍યોદય યોજના અંતર્ગત મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી ના સીધા માર્ગદર્શન હેઠળ અને UCD શાખાના સંકલનથી શહેરમાં 'મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ' નું સંચાલન કરવામાં આવે છે.

આ આશ્રયગૃહમાં ઘરવિહોણા અને નિરાધાર લોકોને માત્ર આશરો જ નહીં, પરંતુ ભોજન, ચા-નાસ્‍તો અને કપડાં પણ પૂરા પાડવામાં આવે છે. આ ઉપરાંત આશ્રિતોના બાળકો માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, મનોરંજન માટે બાલવાટિકા, તહેવારોની ઉજવણી અને સરકારી યોજનાઓના લાભ અપાવવા સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ સ્‍થાનિક દાતાઓના સહયોગથી નિયમિતપણે કરવામાં આવે છે.

આ આશ્રયગૃહનો લાભ વધુને વધુ જરૂરિયાતમંદ લોકો લઈ શકે અને સ્‍થાનિક નાગરિકોમાં પણ જાગૃતતા આવે તે આશયથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા રાત્રિના સમયે ખાસ રેસ્‍ક્‍યુ વાહન સાથે શહેરમાં 'નાઈટ ડ્રાઇવ' યોજવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન ટીમે જાહેર સ્‍થળો અને રસ્‍તાઓ પર સૂતેલા લોકોને આશ્રયગૃહની સુવિધાઓ અંગે જાણકારી આપી તેમનું કાઉન્‍સેલિગ કર્યું હતું.

સાથે જ રાત્રિના સમયે રસ્‍તા પર અવરજવર કરતા સામાન્‍ય નાગરિકોને પણ આશ્રયગૃહ અંગે માહિતી આપી, ભવિષ્‍યમાં આવા નિરાધાર લોકો જોવા મળે તો તેમને આશ્રયગૃહ સુધી પહોંચાડવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. ટીમના પ્રયત્‍નો બાદ ૧૪ જેટલા લોકો આશ્રયગૃહમાં જવા માટે સહમત થયા હતા. જેમને રેસ્‍ક્‍યુ વાહન મારફતે સન્‍માનપૂર્વક આશ્રયગૃહ ખાતે લઈ જવામાં આવ્‍યા હતા.

મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબીવાસીઓને અપીલ કરવામાં આવી છે કે, શહેરમાં કોઈપણ જગ્‍યાએ જરૂરિયાતમંદ, નિરાધાર કે ઘરવિહોણા લોકો જોવા મળે તો આશ્રયગૃહ વિશે વધુ જાણકારી મેળવવા અથવા તેમના રેસ્‍ક્‍યુ માટે મોબાઈલ નંબર ૯૭૨૬૫૦૧૮૧૦ પર સંપર્ક કરવો.

(11:26 AM IST)