<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

ટીંબીની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ ખાતે કરોડરજ્જુના ફ્રેક્ચરની જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન : રૂ. ૪ લાખનો ખર્ચ ધરાવતી સર્જરી વિનામૂલ્યે કરાઈ

ઉંચાઈ પરથી પડેલા ૩૮ વર્ષીય દર્દીની મિનિમલી ઇન્વેસિવ પદ્ધતિથી થઈ સર્જરી : સ્પાઇન સર્જન ડૉ. ધ્રુમિલ પટેલ અને એનેસ્થેટિસ્ટ ડૉ. મિહિર પટેલ સહિતની ટીમે આપ્યું સફળ યોગદાન

ટીંબી:ટીંબી સ્થિત સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ખાતે કરોડરજ્જુની ગંભીર ઈજા ધરાવતા દર્દીની સફળ સર્જરી કરીને તેમને નવું જીવન બક્ષવામાં આવ્યું છે. આશરે ૭ ફૂટની ઊંચાઈ પરથી પડી જવાને કારણે ૩૮ વર્ષીય યોગેશપરી ગોસ્વામીને L1 કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું, જેની હોસ્પિટલના તબીબો દ્વારા અત્યાધુનિક પદ્ધતિથી સફળ સારવાર કરવામાં આવી છે.

સ્પાઇન સર્જન ડૉ. ધ્રુમિલ પટેલ (MS ઓર્થોપેડિક્સ) દ્વારા 'મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરી' (Minimally Invasive Spine Surgery) પદ્ધતિથી દર્દીનું 3-લેવલ ફિક્સેશન કરવામાં આવ્યું હતું. આ આધુનિક પદ્ધતિના કારણે મોટા ચીરા મૂક્યા વગર તેમજ આસપાસના સ્નાયુઓ (મસલ્સ)ને ઓછામાં ઓછું નુકસાન થાય તે રીતે ન્યૂનતમ ચીરા અને ટાંકા સાથે સર્જરી પાર પાડવામાં આવી હતી.

ઓપરેશન દરમિયાન દર્દીને બ્લડ પ્રેશરની ગંભીર સમસ્યા હોવાથી એનેસ્થેટિસ્ટ ડૉ. મિહિર પટેલ દ્વારા સતત દેખરેખ રાખીને યોગ્ય સંચાલન કરવામાં આવ્યું હતું. આ સર્જરીમાં મેડિકલ ઓફિસર ડૉ. ઋત્વિક તેમજ ઓટી આસિસ્ટન્ટ ડાભી નાનુભાઈએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.

અન્ય ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની જટિલ સર્જરી માટે અંદાજે રૂ. ૪ લાખ સુધીનો મોટો ખર્ચ થતો હોય છે, પરંતુ સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ખાતે આ તમામ સર્જરી અને સારવાર દર્દીને સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(8:53 PM IST)