તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
ગરવા ગિરનારની ગોદમાં ગુંજશે શ્રદ્ધાનો શંખનાદ : લીલી પરિક્રમાના પાવન પંથે સંતો-સાંસદ-ધારાસભ્ય તથા અધિકારીઓ દ્વારા રૂટ નિરીક્ષણ
આસ્થા, ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમે લાખો ભાવિકોના સુખ-સલામતી માટે વહેલી સવારે રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ, પાણી-સ્વચ્છતા-આરોગ્ય-સુરક્ષાની વ્યવસ્થાની સ્થળ પર સમીક્ષા

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ, તા.૫ : ગરવા ગઢ ગિરનારની પાવનકારી ધરતી ફરી એકવાર ભક્તિના રંગે રંગાવા તૈયાર થઈ ગઈ છે. આગામી તા. ૨૦ નવેમ્બરથી પ્રારંભ થનારી પવિત્ર ગિરનાર લીલી પરિક્રમાના મહાપર્વને અનુલક્ષીને આજે વહેલી સવારે પરિક્રમા રૂટ ઉપર સાધુ-સંતો, પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્થળ ઉપર જઈને રિયાલિટી ચેક કર્યો હતો.
આસ્થા, શ્રદ્ધા અને ભક્તિના મહાપર્વ સમાન આ લીલી પરિક્રમાની પૂર્વતૈયારીના ભાગરૂપે આજરોજ ગિરનાર ક્ષેત્રના સાધુ-સંતો સાથે પદાધિકારીઓ અને અધિકારીઓએ પરિક્રમાના સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
પરિક્રમામાં પધારનારા લાખો ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે હેતુથી સ્થળ પર ઉપલબ્ધ વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને પીવાનું પાણી, સ્વચ્છતા, આરોગ્ય, સુરક્ષા સહિતની તમામ જરૂરી પ્રાથમિક સુવિધાઓ સુચારુરૂપે મળી રહે તે માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભાવિકોની સુખાકારી, સુરક્ષા અને સુવિધા માટે જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
રૂટ નિરીક્ષણમાં સાધુ-સંતોમાં મહંત શ્રી મહેશગીરીબાપુ, પૂ. ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદ ગીરી બાપુ સહિતના સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.
પદાધિકારીઓમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સાથે વન વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ જોડાયા હતા અને સમગ્ર રૂટ પર ફરીને વ્યવસ્થાનું બારીકાઈથી અવલોકન કર્યું હતું.
ગિરનારની લીલી પરિક્રમા એ માત્ર યાત્રા નથી, એ તો આત્માની યાત્રા છે. સંતોના આશીર્વાદ, તંત્રની સજ્જતા અને ભક્તોની શ્રદ્ધા સાથે આ વર્ષની પરિક્રમા પણ ભવ્ય, સુરક્ષિત અને અવિસ્મરણીય બને તેવી સૌ કોઈને આશા છે.
(તસવીર: મુકેશ વાઘેલા-જુનાગઢ)
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
