તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
મોરબી મહાપાલિકાના વર્કશોપ વિભાગના હાજરી કૌભાંડમાં તટસ્થ તપાસ કરવા કોંગ્રેસની માંગ
અગાઉના પ્રકરણોની જેમ ભીનું ન સંકેલાય અને સમાવિષ્ટ તમામ સામે યોગ્ય તપાસ કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની મ્યુનિ.કમિશનરને રજુઆત.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં રોજમદાર કર્મચારીઓનું હાજરી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં અગાઉની જેમ ભીનું ન સંકેલવા અને યોગ્ય તપાસ કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયું છે કે મોરબી મહાપાલિકાના વર્કશોપ વિભાગમાં કામ ક૨તા અમુક રોજમદારો અન્ય કર્મચારીઓની જાણ બહાર ઇલેક્ટ્રિક એટેન્ડન્સ મશીનમાં (બાયોમેટ્રિકમાં) ગેરહાજર કર્મચારીઓની ખોટી આંગળીઓ અને અંગૂઠા લગાવી દેતા હતા. આ રીતે રોજમદારોની ખોટી હાજરી દર્શાવીને અંદાજે લાખો રૂપિયાની પગારની રકમ ચાઉં કરી જવામાં આવી છે. કોંગ્રેસે આ વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપત કરનારાઓ તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય તમામ લોકો સામે તટસ્થ તપાસ કરી કડક ફરિયાદ નોંધવાની માંગ કરી છે.
આ લેખિત રજૂઆતમાં કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ પાલિકા તંત્રની અગાઉની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે. રજૂઆતમાં યાદ અપાવવામાં આવ્યું છે કે ભૂતકાળમાં પાલિકામાં સિમેન્ટની થેલીઓ પથ્થર બની ગયેલી પકડાઈ હતી, ત્યારે કમિશનર દ્વારા સમિતિ બનાવીને કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ હતી, પરંતુ હજુ સુધી તેની કોઈ જ માહિતી કોંગ્રેસને અપાઈ નથી. આ ઉપરાંત મોરબી શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ કલમ 45 ડી, આવાસ યોજના અને નંદીઘર મામલે પણ લેખિત રજૂઆતો કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરાયા નથી. અંતમાં કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે અગાઉની તપાસની જેમ આ વર્કશોપ વિભાગના કૌભાંડમાં પણ ભીનું સંકેલી ન લેવામાં આવે અને તેમાં સમાવિષ્ટ તમામ લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
