<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th October 2026

મોરબીમાં પંચાસર રોડ પર ડિમોલિશન મામલે કોંગ્રેસનો વિરોધ: ગરીબોના ઝૂંપડા તોડાયા, મોટા માથાઓને છાવરવાનો આરોપ.

મોરબીમાં પંચાસર રોડ પર ડિમોલિશન મામલે કોંગ્રેસનો વિરોધ: ગરીબોના ઝૂંપડા તોડાયા, મોટા માથાઓને છાવરવાનો આરોપ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચાસર રોડ પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં માત્ર ગરીબ લોકોના જ ઝૂંપડા તોડવામાં આવતા હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના આગેવાનોએ કર્યો છે. તેઓએ ડેપ્યુટી કમિશનર બ્રિજેશ કાલરિયાને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી કે 1971 ના મેપ મુજબ રીક્રીએશન એરિયા તરીકે જાહેર થયેલા વિસ્તારમાં ત્રણેય બાજુ ડિમોલિશન થવું જોઈએ.

પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા માત્ર OBC, SC, ST અને લઘુમતી સમાજના ગરીબ લોકોના જ મકાનો અને ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે તળાવની બીજી બાજુ મોટા શેડ બનાવી દેવામાં આવ્યા છે અને દબાણો યથાવત રાખવામાં આવ્યા છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે રવાપર રોડ પર આવેલી નીલકંઠ વિદ્યાલય સંપૂર્ણપણે નાળા પર બનેલી છે, છતાં ત્યાં કોઈ કાર્યવાહી થતી નથી. આ ઉપરાંત રાજાશાહી વખતના 7 વોંકળાઓ પર પણ દબાણો હજુ યથાવત છે. કોંગ્રેસ આગેવાને આ કાર્યવાહીને ભેદભાવયુક્ત ગણાવી હતી અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા 52 સભ્યો દ્વારા તાજેતરમાં કઢાયેલી સેવા જ્યોત યાત્રા પર કટાક્ષ કરતા ગરીબોને રસ્તા, લાઈટ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ આપી સાચી સેવા કરવા જણાવ્યું હતું.

આ રજૂઆત મામલે ડેપ્યુટી કમિશનરએ જણાવ્યું હતું કે હાલ ફેઝ 1 ની કામગીરી ચાલુ છે. ફેઝ 2 માં પાછળના વિભાગોને પણ નોટિસ આપીને તમામ દબાણો ક્રમશઃ દૂર કરવામાં આવશે. જોકે, કોંગ્રેસ આગેવાનોએ ચીમકી આપી છે કે જો બીજા ફેઝમાં સમાન ધોરણે ડિમોલિશન નહીં થાય તો સ્થાનિક લોકો અને કોર્પોરેટરને સાથે રાખીને લેખિતમાં રજૂઆત કરી સંકલન સાથે આગળની કાર્યવાહી કરવામાં આવશે

(12:47 AM IST)