<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

મોરબીમાં મુખ્યમંત્રીની મુલાકાતને લઈને તંત્રની કામગીરી સામે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો.

મુખ્યમંત્રીના રસ્તાઓ જ કેમ ચમકાવવામાં આવે છે? નવલખી રોડ સહિતના દબાણો દૂર કરવા શહેર કોગ્રેસ પ્રમુખે કરી અપીલ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં મુખ્યમંત્રીની મુલાકાતને લઈને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ અને રસ્તાઓના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, તંત્રની આ કામગીરી સામે હવે સવાલો ઉઠી રહ્યા છે. મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ તંત્રની કામગીરીની આકરી ટીકા કરી છે અને મુખ્યમંત્રીને મોરબીની વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર થવા અપીલ કરી છે.
   પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, મોરબીમાં છેલ્લા બે દિવસથી મુખ્યમંત્રી જ્યાંથી પસાર થવાના છે તે તમામ રસ્તાઓની સફાઈ થઈ રહી છે, ખાડા પૂરવામાં આવી રહ્યા છે અને ડામરની અછત હોવા છતાં સારા ડામર રોડ બનાવવામાં આવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, તંત્ર માત્ર સરકારની વાહવાહી મેળવવામાં જ વ્યસ્ત છે. જો મુખ્યમંત્રીના આવવાથી જ રસ્તાઓ સારા બનતા હોય તો તેમણે મોરબી-નવલખી રોડ પર પણ એક ચક્કર મારવું જોઈએ, જેથી ત્યાંના લોકોની વેદનાનો પણ અંત આવે અને તે રસ્તો પણ સારો બને.
   વધુમાં તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, તાજેતરમાં જ મુખ્યમંત્રીએ કલેક્ટરોની કોન્ફરન્સમાં સરકારી અને સાર્વજનિક જગ્યાઓ પરના દબાણો દૂર કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તો મોરબીમાં અમુક જગ્યાઓએ જે દબાણ કરવામાં આવ્યું છે તેની સામે કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી? સામાન્ય માણસ માટે લાગુ પડતા નિયમો આ મોટા દબાણકારો વિરુદ્ધ કેમ લાગુ નથી થતા?
  તેમણે અંતમાં મુખ્યમંત્રીને અપીલ કરી છે કે, તંત્ર તેમને સારું સારું દેખાડી રહ્યું છે, પરંતુ તેઓ મોરબીની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાને લઈ આ મૂળભૂત પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવે.

(9:37 PM IST)