News of Saturday, 23rd May 2026
ઈંધણની અછત વચ્ચે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનો આક્રોશ: ઢોલ-નગારા વગાડી ગધેડા પર કેરબા મૂકી સરકાર વિરુદ્ધ નોંધાવ્યો અનોખો વિરોધ!
ચૂંટણી પતતાં જ સરકારે વાયદા નેવે મૂક્યા હોવાનો આક્ષેપ; વાવણી ટાણે ડીઝલ માટે ૨-૨ કિલોમીટર લાંબી લાઈનો અને સાત-બારના દાખલા મંગાતા જગતનો તાત ભારે પરેશાન

સુરેન્દ્રનગર: ગુજરાતભરમાં હાલ સર્જાયેલી પેટ્રોલ અને ડીઝલની કથિત અછતને પગલે હજારો વાહનચાલકો અને ખાસ કરીને જગતનો તાત ગણાતો ખેડૂત વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે. આગામી દિવસોમાં ચોમાસું બેસવાનું હોઈ ખેડૂતો માટે વાવણીનો કિંમતી સમય નજીક આવી રહ્યો છે, ત્યારે ટ્રેક્ટર સહિતના આધુનિક સાધનો ચલાવવા માટે ડીઝલ ન મળતાં ખેડૂતો લાચાર બન્યા છે. આ ગંભીર પરિસ્થિતિને મુદ્દો બનાવીને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા વઢવાણ તાલુકા પંચાયત કચેરી ખાતે ઢોલ-નગારાના નાદ સાથે ગધેડા પર ડીઝલના ખાલી કેરબા મૂકીને એક અત્યંત અનોખો અને કટાક્ષભર્યો વિરોધ પ્રદર્શન યોજવામાં આવતા રાજકારણ ગરમાયું છે.
ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ જનતાને રઝળતી મૂકી દેવાઈ હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ગધેડાને સાથે રાખીને વઢવાણ તાલુકા પંચાયતે પહોંચ્યા હતા. ત્યાં તેઓએ સરકારના ખોટા વચનો સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને ભારે આક્રોશ ઠાલવ્યો હતો. કોંગ્રેસી નેતાઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં સરકાર મોટા-મોટા દાવા કરતી હતી કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ મતદાન પૂરું થતાં જ પેટ્રોલ પંપો પર બબ્બે કિલોમીટર લાંબી લાઈનો લાગી રહી છે અને લોકોને કલાકો સુધી રઝળપાટ કરવો પડી રહ્યો છે.
ડીઝલ નહીં મળે તો ફરી ગધેડા-બળદથી ખેતી કરવાનો વારો આવશે!
વઢવાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ઝાલાએ આક્રોશ સાથે જણાવ્યું કે, "ગધેડા સાથે વિરોધ પ્રદર્શન કરવાનો અમારો હેતુ સરકારની આંખ ઉઘાડવાનો છે. જૂના જમાનામાં બળદ અને ગધેડાથી ખેતી થતી હતી. આજે વિજ્ઞાનના યુગમાં જો સરકાર ડીઝલ પૂરું પાડી શકતી ન હોય, તો ખેડૂતોએ ફરીથી એ જ જૂના દિવસો તરફ પાછા વળવું પડશે અને ગધેડા વડે ખેતી કરવી પડશે." તેમણે ઉમેર્યું કે, ચૂંટણી પરિણામો આવતા જ નર્મદા કેનાલનું પાણી પણ બંધ કરી દેવાયું છે, ખાતરના ભાવ આસમાને છે અને જીરાના ભાવ તળિયે બેસી ગયા છે.
ખેડૂત આગેવાન રણજિતસિંહ ઝાલાએ પણ સરકારની આકરી આલોચના કરતા જણાવ્યું કે, સરકારના અજીબોગરીબ નવા નિયમોના કારણે ખેડૂતોએ ડીઝલ લેવા માટે પોતાના વાહનો લઈને પંપ પર આવવું પડે છે અને સાથે જમીનના સાત-બાર (૭/૧૨)ના ઉતારા પણ બતાવવા પડે છે! કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ખેડૂતોને ખાલી હાથે પરત ફરવું પડે છે, જેના કારણે પંપો પર મારામારી અને અંદરોઅંદર લડાઈના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ અને ખેતીવાડી સંપૂર્ણ ભાંગી પડે તે પહેલાં સરકાર આ ઈંધણની તંગીનો પ્રશ્ન તાત્કાલિક હલ કરે તેવી ઉગ્ર માંગ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવી છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
