<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

સુરેન્દ્રનગરમાં ચોકલેટના ડબ્બાના ઓર્ડર આપવાના બહાને સંપર્ક સાધ્યો :કારમાં યુવતી સાથે દુષ્કર્મ આચરનાર 'રાવણ' ઝડપાયો

આરોપીએ યુવતીને માનસિક રીતે ટોર્ચર કરી તેણે ધમકી આપી હતી કે જો તે કોઈને આ બાબતે જાણ કરશે તો તેની સગાઈ તોડાવી નાખશે

સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ મથકની હદમાં એક યુવતી સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપીએ અત્યંત સોનિયોજિત રીતે યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી અને બાદમાં તેની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો હતો.

વિગતો મુજબ, આરોપી હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ ચૌહાણએ ભોગ બનનાર યુવતી સાથે ચોકલેટના ડબ્બાના ઓર્ડર આપવાના બહાને સંપર્ક સાધ્યો હતો. વ્યવસાયિક વાતચીતથી શરૂ થયેલો આ સંપર્ક ધીમે ધીમે મિત્રતામાં બદલાયો હતો. આરોપીએ યુવતીનો વિશ્વાસ જીતી તેને મળવા બોલાવી હતી. એક દિવસ આરોપી યુવતીને પોતાની કારમાં બેસાડી નિર્જન સ્થળે લઈ ગયો હતો, જ્યાં તેણે યુવતીની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીએ યુવતીને માનસિક રીતે ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું. તેણે ધમકી આપી હતી કે જો તે કોઈને આ બાબતે જાણ કરશે તો તેની સગાઈ તોડાવી નાખશે અને સમાજમાં તેને બદનામ કરી દેશે. આ ધમકીઓથી ડરવાને બદલે યુવતીએ હિંમત દાખવી જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતા સમજી તુરંત એક્શન લીધા હતા અને હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણને દબોચી લીધો હતો. હાલ પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી આ કેસમાં અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

(11:14 PM IST)