News of Monday, 29th June 2026
અમરેલી જિલ્લામાં સતત મેઘમહેર યથાવત :ખાંભા, સાવરકુંડલા અને રાજુલા પંથકના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
વરસાદના આગમન સાથે ગામડાઓમાં ખુશીનો માહોલ : ખેડૂતોમાં ઉત્સાહ છવાઈ ગયો: છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરતા લોકોને વરસાદથી મોટી રાહત મળી

અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. જિલ્લાના ખાંભા, સાવરકુંડલા તેમજ રાજુલા પંથકના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહેલા લોકોને વરસાદથી મોટી રાહત મળી છે. વરસાદના આગમન સાથે ગામડાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોમાં પણ ઉત્સાહ છવાઈ ગયો છે.
ખાસ કરીને ખાંભા અને સાવરકુંડલા તાલુકાના અનેક ગામોમાં મેઘમહેર થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. સાવરકુંડલા અને રાજુલાના સરહદી ગામોમાં પણ વરસાદી માહોલ જામતાં વાતાવરણ ખુશનુમા બન્યું હતું. વરસાદને કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી હતી. જોકે વરસાદથી કોઈ મોટી નુકસાનીના અહેવાલ સામે આવ્યા નથી. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.
વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેતી માટે જરૂરી ભેજ મળતા હવે આગામી વાવણીની તૈયારીઓ વધુ વેગ પકડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ સમયસર પડેલા વરસાદથી ખરીફ પાક માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો કૃષિ ઉત્પાદન માટે લાભદાયી સાબિત થશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરતાં ખેડૂતો અને લોકોમાં આશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
