<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ભારે વરસાદથી ખેતીને મોટી રાહત: જિલ્લાના 11 જળાશયોમાં આવ્યા નવા નીર : ચૂડા તાલુકાનો બારડોલા ડેમ 10 વર્ષના વિરામ બાદ સંપૂર્ણ ક્ષમતાએ ભરાયો

ડેમોની સપાટી વધતા નીચાણવાળા 15થી વધુ ગામોને તંત્ર દ્વારા એલર્ટ : કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્રની સત દેખરેખ, રવિ પાક માટે પાણીની ચિંતા દૂર થતાં ખેડૂતોમાં આનંદ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા ભારે અને સત વરસાદના કારણે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ ચાલુ રહેતા જિલ્લાના કુલ 11 જળાશયોમાં નવા નીર આવ્યા છે, જેના કારણે ખેતીવાડી ક્ષેત્રે ખુશીનો માહોલ છવાયો છે.

જિલ્લા માટે સૌથી સારા સમાચાર ચૂડા તાલુકાના બારડોલા ડેમને લઈને છે. સત વરસાદના કારણે આ ડેમ લગભગ 10 વર્ષના લાંબા ગાળા બાદ આજે સંપૂર્ણ ક્ષમતાએ ભરાયો છે. ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં હોવાથી તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

જિલ્લા કલેક્ટરની સૂચનાથી તમામ તાલુકા મામલતદાર અને સિંચાઈ વિભાગના અધિકારીઓને જળાશયોની સપાટી પર ચોવીસ કલાક નજર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે NDRF અને SDRFની ટીમોને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

આ વર્ષે સમયસર અને સારા વરસાદને કારણે જિલ્લાના ખેડૂતોને મોટી રાહત મળી છે. ડેમોમાં પાણીની આવકથી આગામી રવિ સિઝન માટે પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ છે. ખેડૂતોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષથી પાણીની અછતને કારણે જે મુશ્કેલી પડતી હતી તે હવે દૂર થઈ છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભરાયેલા ડેમ, નદી અને નાળાના વિસ્તારમાં જવાનું ટાળે. બાળકોને પાણીના સ્ત્રોતથી દૂર રાખે અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે.

હાલ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે અને હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(12:05 PM IST)