તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
પોરબંદરમાં ધાર્મિક લાગણી દુભાય અને સમુદાય વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય તેવું વિવાદાસ્પદ પ્રવચન આપી સોશિયલ મીડિયામાં ફેલાવનાર સામે કાર્યવાહી : કીર્તિમંદિર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી
તાજુસરીયા હોલ ખાતે હૈદરી યંગ કમિટીના કાર્યક્રમમાં સૈયદ જમાત અને તાજીયા વિશે અભદ્ર શબ્દો બોલનાર અબ્દુલ સતાર હામદાણી ઉર્ફે સતાર મૌલાના સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુન્હો દાખલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર: પોરબંદર જિલ્લાના કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાય તેમજ મુસ્લીમ સમુદાય વચ્ચે પરસ્પર દુશ્મનાવટ ઊભી થાય તેવા અભદ્ર અને અપમાનજનક શબ્દોનું જાહેર કાર્યક્રમમાં પ્રવચન આપી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવા બદલ કીર્તિમંદિર પોલીસે એક શખ્સ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી અધિકૃત વિગતો અનુસાર, ગત તારીખ ૨૦/૦૭/૨૦૨૬ ના રોજ પોરબંદર શહેરના તાજુસરીયા હોલ (જમાતખાના) ખાતે 'હૈદરી યંગ કમિટી' દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન માઇક ઉપર બોલતી વખતે અબ્દુલ સતાર હામદાણી ઉર્ફે સતાર મૌલાના (રહે. નગીના મસ્જિદની બાજુમાં, એસ.વી.પી. રોડ, પોરબંદર) નામના શખ્સે સૈયદ જમાતને ટાર્ગેટ કરી સૈયદ જમાત વિશે તથા તાજીયા વિશે અતિ અભદ્ર અને અપમાનજનક શબ્દો બોલ્યા હતા.
તેમણે દ્વેષપૂર્વકના ઇરાદાથી ઉશ્કેરણીજનક પ્રવચન આપી સૈયદ જમાતની તથા સૈયદ અને તાજીયાને માનનારા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ તેવું કૃત્ય કર્યું હતું તેમજ મુસ્લીમ સમુદાયના આંતરિક જૂથો વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય તેવો પ્રયાસ કર્યો હતો. આ ભાષણનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં તારીખ ૦૧/૦૮/૨૦૨૬ ના રોજ અબ્દુલ સતાર હામદાણી ઉર્ફે સતાર મૌલાના વિરૂદ્ધ ગુન્હા નંબર ૧૧૨૧૮૦૦૬૨૬૦૫૫૫/૨૦૨૬ થી ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૯૬(૧)(એ)(બી) તથા ૨૯૯ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
