તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
ગોંડલના ‘આઈકોનિક મેળા'માં હત્યા બાદ વિવાદઃ ઈજાગ્રસ્તને એક્ટિવા પર હોસ્પિટલ લઈ જવાયો, સુરક્ષાના ધજાગરા ઉડયા
મેળામાં એમ્બ્યુલન્સ કે મેડિકલ ટીમ નહોતી, કલેક્ટર સમક્ષ મેજિસ્ટ્રેટ તપાસ ની માંગ સાથે કોંગ્રેસના આકરા પ્રહારો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૨: ગોંડલ શહેરમાં વછેરાના વાડાના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ‘આઈકોનિક મેળા'માં ગત ૯ સપ્ટેમ્બરના રોજ રાત્રે બનેલી ગંભીર હત્યાની ઘટના બાદ હવે તંત્ર અને આયોજકોની ગંભીર બેદરકારી સામે આવી છે. આઈકોનિક મેળામાં તીક્ષ્ણ હથિયાર (છરી)ના ઘા ઝીંકીને વેપારી રમાશંકર ઉર્ફે દીપકની હત્યા કરવામાં આવી હતી, જ્યારે વિશાલ નામનો અન્ય એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો. આ મામલે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
જોકે, આ ઘટના બાદ મેળામાં સુરક્ષા અને પ્રાથમિક સુવિધાઓનો મોટો અભાવ સામે આવતા ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિહ ઝાલાએ રાજકોટ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને તટસ્થ મેજિસ્ટ્રેટ તપાસની માંગ કરી છે.
કલેક્ટરને કરાયેલી રજૂઆત અનુસાર, મેળામાં મોટી હોનારત કે અકસ્માત સમયે પ્રાથમિક સારવાર માટે કોઈ જ સરકારી કે ખાનગી એમ્બ્યુલન્સ અથવા મેડિકલ ટીમ હાજર નહોતી. ઘટના બન્યા બાદ ગંભીર રીતે ઘવાયેલા દીપકને એક સ્થાનિક નાગરિકે પોતાના એક્ટિવા મોટરસાયકલ પર બેસાડીને હોસ્પિટલ પહોંચાડવો પડ્યો હતો. જો મેળામાં મંજૂરીની શરતો મુજબ સ્ટેન્ડબાય એમ્બ્યુલન્સ હોત, તો સમયસર સારવાર મળવાથી કદાચ નિર્દોષ વ્યક્તિનો જીવ બચી શક્યો હોત.
હર્ષદસિંહ ઝાલાએ રજુઆત માં જણાવ્યું કે જાહેર મેળા જેવા સંવેદનશીલ સ્થળે અસમાજિક તત્વો છરી જેવા ધારદાર હથિયારો સાથે મુક્તપણે પ્રવેશી શક્યા તે દર્શાવે છે કે મેળાના પ્રવેશદ્વાર પર કોઈ મેટલ ડિટેક્ટર કે યોગ્ય સિક્યોરિટી ચકાસણી કરવામાં આવતી નહોતી. ગુજરાત સરકાર દ્વારા જાહેર મેળા અને એમ્યુઝમેન્ટ ઝોન માટે નક્કી કરાયેલ એસ.ઓ.પી. (SOP) અનુસાર ફાયર, ઈલેક્ટ્રિકલ, મેડિકલ અને સિક્યોરિટી સુવિધાઓ હોવી ફરજિયાત છે, જેનું આયોજકોએ સ્પષ્ટ ઉલ્લંઘન કર્યું છે.
કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિહ ઝાલાએ કલેક્ટર સમક્ષ રાખી ત્રણ મુખ્ય માંગણીઓ રજુ કરીછે.જેમાં પોલીસ, હેલ્થ, PWD વગેરે વિભાગો દ્વારા મેળા માટે આપવામાં આવેલી NOC અને લાયસન્સ પ્રક્રિયા અંગે મેજિસ્ટ્રેટ તપાસ કમિટી રચવામાં આવે ઉપરાંત
અધિકારીઓની જવાબદારી નક્કી કરવી, લાયસન્સ આપતા પહેલાં સંબંધિત અધિકારીઓએ સ્થળ તપાસ (Physical Inspection) કરી હતી કે કેમ તે અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જો સુવિધાઓ નહોતી તો લાયસન્સ કેવી રીતે આપવામાં આવ્યું, તેની યોગ્ય તપાસ કરી જવાબદારી નક્કી થવી જોઈએ.
SOP નો ભંગ કરી નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકનાર મેળાના આયોજકો સામે પણ બેદરકારી બદલ કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરાઈ છે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
