<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

ધોરાજી જન્‍માષ્‍ટમી શોભાયાત્રામાં વિવાદઃ ભકત તેજાબાપા અન્નક્ષેત્ર મંડળે સંચાલન સંભાળ્‍યુ

એકતા અને અખંડિતતા જળવાઇ રહે તે માટે વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળ સંચાલનમાંથી ખસી ગયુ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૨: ધોરાજીમાં વિશ્વ હિન્‍દુ પરિષદ બજરંગ દળ જન્‍માષ્ટમીની શોભાયાત્રાના આયોજનમાં વિવાદ થતા શોભાયાત્રા ના સંચાલન માંથી સંસ્‍થા નીકળી ગઈ.

ધોરાજીમાં આગામી તા. ૪ સપ્‍ટેમ્‍બરના રોજ યોજાનારી જન્‍માષ્ટમીની શોભાયાત્રાને લઈને વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા મહત્‍વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્‍યો છે. વર્ષ ૧૯૮૧થી ધોરાજીમાં વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા પરંપરાગત રીતે જન્‍માષ્ટમી નિમિત્તે ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ શોભાયાત્રાની તૈયારીઓ કાર્યકર્તાઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી.

વિશ્વ હિન્‍દુ પરિષદના જિલ્લાના અગ્રણી પ્રફુલભાઈ જાનીએ માહિતી આપતા જણાવેલ કે શોભાયાત્રાના આયોજન અને વ્‍યવસ્‍થા અંગે તા. ૩૧ ઓગસ્‍ટના રોજ હિન્‍દુ સમાજની બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન કેટલાક મુદ્દાઓને લઈને વિવાદની સ્‍થિતિ સર્જાતા હિન્‍દુ સમાજમાં કોઈ પ્રકારના ભાગલા ન પડે અને વિવાદ વધુ ન વકરે તે હેતુથી વિશ્વ હિન્‍દુ પરિષદે આ વર્ષે શોભાયાત્રાના આયોજનમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હોવાનું એક પત્રકાર પરિષદ માં જણાવાયું છે.

જોકે જન્‍માષ્ટમી મહોત્‍સવ ધોરાજીમાં ધામધૂમથી ઉજવાય તે માટે વિશ્વ હિન્‍દુ પરિષદ સહયોગ આપશે. શોભાયાત્રાના રથને શણગારવા ઉપરાંત શોભાયાત્રામાં વિશ્વ હિન્‍દુ પરિષદનો ફ્‌લોટ રહેશે તેમજ દુર્ગાવાહિનીની બહેનો પણ જોડાશે. અન્‍ય કોઈ સંસ્‍થા દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે તો તેને વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા તન, મન અને ધનથી સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી છે. જોકે શોભાયાત્રાનું આયોજન કરનાર સંસ્‍થાએ પોતાના નામના બેનર સાથે શોભાયાત્રા કાઢવાની રહેશે. હિન્‍દુ સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે મુખ્‍ય ઉદ્દેશ સાથે નિર્ણય લેવાયો હોવાનું અંતમાં જણાવાયું છે.

આ નિર્ણય બાદ હવે ૪ સપ્‍ટેમ્‍બરના રોજ ધોરાજીમાં યોજાનારી જન્‍માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન કઈ સંસ્‍થા દ્વારા અને કઈ રીતે કરવામાં આવશે, તેના પર સૌની નજર રહેશે. તેમ વિશ્વ હિન્‍દુ પરિષદે જણાવેલું હતું

પરંતુ ગઈકાલે રાત્રિના સમયે ધોરાજીની સેવાભાવી સંસ્‍થા ભક્‍ત શ્રી તેજાબાપા અન્ન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્‍ટ ના પ્રમુખ આર કે કોયાણી તેમજ મંત્રી સુરેશભાઈ વઘાસિયાએ જાહેરાત કરતા જણાવેલ કે વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા સંચાલિત જન્‍માષ્ટમી શોભાયાત્રા વિવાદને કારણે તેઓ ખસી જતા જે શોભાયાત્રા નો સંચાલન તાત્‍કાલિક અસરથી ભક્‍ત શ્રી તેજાબાપા અન્ન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

વિશ્વ હિન્‍દુ પરિષદ છેલ્લા ઘણા વર્ષોથી જન્‍માષ્ટમી શોભાયાત્રા કરે છે અને હિન્‍દુ સમાજની એકતા માટેનું હંમેશા કામ કરતી હોય છે પરંતુ ગઈ તારીખ ૩૧ ના રોજ રાત્રિના હિન્‍દુ સમાજની તાત્‍કાલિક અસરથી બેઠક બોલાવી હતી આ બેઠકમાં અમુક રાજકીય વર્ગના લોકોએ તલવાર બાજી તેમજ ઘોડેશ્વરની છૂટ પોલીસ આપે તે બાબતે ભારે બોલાચાલી સાથે દેકારો થતા અને સમગ્ર મીટીંગ ખોરવાઈ જતા મામલો ગંભીર બની ગયો હતો. આ બાબતે હિન્‍દુ સમાજના ભાગલા ન પડે તે માટે વિશ્વ હિન્‍દુ પરિષદે તાત્‍કાલિક અસરથી જન્‍માષ્ટમી શોભાયાત્રા માંથી બહાર નીકળી જવાનો નિર્ણય કર્યો હતો જે ધોરાજી શહેર માટે ખૂબ જ દુઃખદ ભરી ઘટના ગણવામાં આવી છે કારણ કે વિશ્વ હિન્‍દુ પરિષદ એટલે સમગ્ર હિન્‍દુ સમાજની એકતા અને અખંડિતતા માટેની સંસ્‍થા છે કોઈ રાજકીય સંસ્‍થા નથી પરંતુ જે પ્રકારે માત્ર જન્‍માષ્ટમી શોભાયાત્રા ના ત્રણ દિવસ બાકી હતા અને સંસ્‍થાઓ પર જે પ્રકારનું દબાણ લાવવાની કોશિશ કરી છે અને તાત્‍કાલિક અસરથી વિશ્વ હિન્‍દુ પરિષદે શોભાયાત્રા નો સંચાલન છોડવું પડ્‍યું છે તે બાબતે ધોરાજીમાં ભારે દુઃખ સાથે ચર્ચાઓ વ્‍યાપી ગઈ હતી.

(11:13 AM IST)