તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
ભગવાન શ્રી કૃષ્ણને જૈન સાધુઓના આશીર્વાદ આપતી પોસ્ટથી વિવાદ
સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ સામે સનાતન સંતોની નારાજગી; ખાખી મઢીના સુખરામદાસ બાપુએ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૮ :.. જૂનાગઢ પંથકમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક પોસ્ટને લઈને ધાર્મિક વિવાદ સર્જાયો છે. પોસ્ટમાં જૈન સંપ્રદાયના તપસ્વીઓ ભગવાન શ્રીકૃષ્ણને આશીર્વાદ આપી રહ્યા હોય તેવું દર્શાવવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે સનાતન સાધુ-સંતો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુએ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવાની અને પોસ્ટ પાછળ જવાબદાર વ્યક્તિ કે તત્વો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમગ્ર મામલો વધુ ઉગ્ર બને તે પહેલાં હકીકત બહાર લાવી જરૂરી પગલાં ભરવા તેમણે તાકીદ કરી છે.
સુખરામદાસ બાપુના જણાવ્યા મુજબ, સનાતન પરંપરામાં ભગવાન શ્રીકૃષ્ણને ‘જગદ્ગુરુ' તરીકે વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત પ્રચલિત સ્તોત્રની પંક્તિ ‘વાસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ્, દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદગુરૂમ્' નો ઉલ્લેખ કરીને ભગવાન શ્રીકૃષ્ણના ધાર્મિક અને આધ્યાત્મિક સ્થાન અંગે ભાર મૂકયો હતો.
તેમણે આક્ષેપ કર્યો કે ધાર્મિક આસ્થાના વિષયોને લઈને સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારની ભ્રામક અથવા લાગણી દુભાય તેવી સામગ્રી પ્રસિદ્ધ કરવી યોગ્ય નથી. આવી પોસ્ટથી વિવિધ સમાજ વચ્ચે ગેરસમજ ઊભી થઈ શકે તેમ હોવાથી તંત્રએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ તેવી માંગ કરી છે.
દરમિયાન, સનાતન પરંપરાના કેટલાક સાધુ-સંતો દ્વારા પણ આ પોસ્ટ સામે વાંધો ઉઠાવી તપાસ અને જવાબદારો સામે નિયમસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ધાર્મિક લાગણી સાથે જોડાયેલા આવા મામલામાં હકીકતની ચકાસણી કરી સોશિયલ મીડિયા પર ભ્રામક સામગ્રી ફેલાય નહીં તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
