તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
બાળકના જીવન ઘડતર માટે શિક્ષકો અને વાલીઓ વચ્ચે સમન્વય જરૂરીઃ કલેક્ટર
વિંછીયા તાલુકાના સોમપીપળીયા, સનાળા અને મોઢુકા ગામે જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમપ્રકાશની અધ્યક્ષતામાં પ્રગતિના પ્રવેશોત્સવની ઉજવણી : બાળકોને મેદસ્વિતામુક્ત રાખવા સ્વાસ્થ્યપ્રદ આહાર લેવાની હિમાયત કરતા કલેક્ટરઃ આંગણવાડી, બાલવાટીકા, ધો. ૦૧ અને ધો. ૦૯માં કુલ ૨૬૨ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો

રાજકોટ, તા., ૨પ ‘સ્કૂલ ચલે હમ'ના સૂત્રને સાર્થક કરતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાની સોમપીપળીયા પ્રાથમિક શાળા, સનાળા પ્રાથમિક-માધ્યમિક શાળા અને પી.એમ. મોઢુકા તાલુકા શાળા ખાતે જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશના અધ્યક્ષસ્થાને પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે કલેક્ટરે શાળાના આંગણે પ્રથમ વાર પગ મૂકતા ભૂલકાંઓને શૈક્ષણિક કીટ આપીને ઉષ્માભેર આવકાર્યા હતા.
જિલ્લા કલેક્ટરે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ ક્લાસીસ, વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવળત્તિઓ તેમજ વાલીઓની સહભાગીતાના આધારે ગુણોત્સવ અંતર્ગત શાળાનું ગ્રેડિંગ થતું હોય છે. પરંતુ સાચું શિક્ષણ અને સંસ્કાર શાળામાં પ્રવેશ પહેલા ઘરથી શરૂ થાય છે. વાલીઓને વિનંતી છે કે ફોન કે રીલ્સ જોવામાંથી થોડો સમય બચાવીને રોજ બાળકો સાથે સંવાદ સાધે. માતા-પિતાએ રોજ અડધો કલાક બાળક સાથે બેસીને તેના હોમ વર્ક, કસોટીઓ અને ઈત્તર પ્રવળત્તિઓની ચર્ચા કરવી જોઈએ. બાળકના જીવન ઘડતરને મજબૂત કરવા માટે શિક્ષકો અને વાલીઓ વચ્ચેનો સમન્વય જરૂરી છે. વાલીઓ અને શિક્ષકો વચ્ચે વન-ટુ-વન ફીડબેકની આપ-લે જરૂરી છે. જેથી, બાળકનું શાળા અને ઘરનું વર્તન જાણીને તેના હિત માટે યોગ્ય પગલાં લઈ શકાય.
આ વર્ષે સોમપીપળીયા ગામ ખાતે આંગણવાડીમાં ૧૧, બાલવાટિકામાં ૪૧ અને ધોરણ ૧માં ૬ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. સનાળા ગામ ખાતે આંગણવાડીમાં ૫, બાલવાટિકામાં ૨૬, ધોરણ ૧માં ૫ અને ધોરણ ૯માં ૩૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો તથા ‘બેક ટુ સ્કૂલ' સર્વે અંતર્ગત શોધાયેલા ૮ બાળકોનું પુનઃનામાંકન કર્યું હતું. મોઢુકા ગામ ખાતે આંગણવાડીમાં ૨૮, બાલવાટિકામાં ૫૩, ધોરણ ૧માં ૩, ધોરણ ૯માં ૫૪ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ થયો જ્યારે એક વિદ્યાર્થીનું પુનઃ નામાંકન કરવામાં આવ્યું હતું. આમ, કુલ ૨૬૨ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન દરેક ધોરણમાં પ્રથમ, દ્વિતીય અને તળતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને શિલ્ડ આપવામાં આવ્યા હતા. ‘ખેલ મહાકુંભ'ની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓ તેમજ સરકારની શૈક્ષણિક યોજનાઓનો લાભ લેવા માટે ઉપયોગી પરીક્ષાઓમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ તકે પ્રાંત અધિકારી રાહુલકુમાર ખાંભરા, તાલુકા વિકાસ અધિકારી બી. જે. દવે, સનાળા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણભાઈ રાઠોડ, સનાળા માધ્યમિક શાળાના આચાર્ય હસુમતીબેન પરમાર, પી.એમ.મોઢુકા તાલુકા શાળાના આચાર્ય પ્રભુભાઈ જાંબુકીયા, મોઢુકા સરકારી માધ્યમિક શાળાના આચાર્ય એ. જી. બારડ, મોળીલા પ્રાથમિક શાળાના આચાર્ય ધીરુભાઈ વાલાણી, સોનકુબા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણભાઈ તલસાણીયા, સી.આર.સી. કો-ઓર્ડીનેટર દિલીપભાઈ ખંભાળીયા, સી.ડી.પી.ઓ. ઉર્મિલાબેન સોલંકી, હંસાબેન ઓળકીયા સહિત શિક્ષકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
