<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

ભ્રષ્ટ કર્મચારીએ મેન્ટલ હોસ્પિટલને પણ ન મૂકી: ભુજમાં ૧.૭૬ કરોડ ઘર ભેગા કરનાર હેડક્લાર્ક અને સાગરીત સામે ફરિયાદ

બેંકમાં નકલી સરકારી ખાતુ ખોલાવી નકલી પેઢીને ચેક આપી રૂપિયા મેળવ્યા, ભ્રષ્ટ કર્મચારીઓની મિલ્કતની તપાસ સાથે કાયદામાં કડક સજાની જોગવાઈ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૬ :  ભુજની સરકારી મેન્ટલ હોસ્પિટલમાં મનો દિવ્યાંગ દર્દીઓ માટેના ૧.૭૬ કરોડ રૂપિયાના ગોટાળાનો મામલો સામે આવ્યો છે. જોકે, હેડક્લાર્ક બલભદ્રસિંહ ખેંગારજી જાડેજાને ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ માં સસ્પેન્ડ કરાયા બાદ ઓડિટ હાથ ધરાતા ૯ મહિને તેની સામે ભુજ બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોધાઈ છે. જેમાં તેના મળતિયા સાગરીત મિતેશ ધીરજલાલ ચુડાસમાનો પણ આરોપી તરીકે નામ છે. કચ્છ જિલ્લાના સિવિલ સર્જન ડો. કિશોરકુમાર રોય એ વર્ષ ૨૦૧૭ થી વર્ષ ૨૦૨૬ દરમ્યાન આંતરિક ઓડિટ દરમ્યાન બહાર આવેલ સરકારના ૧.૭૬ કરોડ રૂપિયાની ઉચાપત અંગે ફરિયાદ નોંધાવી છે. આરોપી હેડક્લાર્ક અને તેના સાગરીત દ્વારા આઉટસોર્સિંગ એજન્સીના ભળતા નામ વાળું બેંક ખાતું ICICI બેંકમાં ખોલાવ્યું હતું અને તેમાં અસલ બિલોની કલર ઝેરોક્સ વાળા બિલો રિપેમેન્ટ માટે રજૂ કરી ૧.૨૫ કરોડથી વધુ રકમ ઓળવી લીધી હતી. આ ઉપરાંત પંજાબ નેશનલ બેંકમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર GKCH ભુજના નામે બોગસ ખાતું ખોલાવ્યું હોવાનું અને આ ખાતામાં ૫૧.૬૫ લાખ રૂપિયા મેળવી તેને વાપરી નાખ્યા હોવાનું જણાવ્યું છે. 

સરકારી ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ દ્વારા આ કૌભાંડ બહાર આવ્યું હતું. સરકારી હોસ્પિટલમાં નોકરી દરમ્યાન તગડો પગાર મળતો હોવા છતાંય માનસિક દિવ્યાંગ દર્દીઓની સેવાના રૂપિયા ઘરભેગા કરી સરકાર તેમ જ પ્રજાના ટેક્સના નાણાંનો ગોટાળો કરનારા ભ્રષ્ટ તત્વો સામે ધાક બેસાડે એવા કડક પગલાં ભરવાની જરૂરત છે.

(9:43 AM IST)