<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

સુરેન્દ્રનગરના પાટડીમાં 7 કરોડના ખર્ચે થયેલા તળાવ બ્યુટિફિકેશન અને રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો:મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા

કામગીરી એટલી નબળી હતી કે નવો બનેલો રોડ તોડવો પડ્યો: ગાંધીનગરથી તપાસ શરૂ થતા સ્થાનિક તંત્રમાં ફફડાટ ફેલાયો:જવાબદારો સામે કાર્યવાહીની શક્યતા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં હાથ ધરવામાં આવેલા તળાવ બ્યુટિફિકેશન અને રોડના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો વારંવાર ઉઠી રહી હતી. ત્યારે આ ફરિયાદોની ગંભીરતાની નોંધ લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સીધા ગાંધીનગરથી તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીના આદેશ બાદ ઘણા સમયથી નિષ્ક્રિય રહેલું સ્થાનિક તંત્ર અચાનક દોડતું થઈ ગયું છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીના સંકેત મળી રહ્યા છે.

પાટડીમાં પ્રથમ તબક્કા અંતર્ગત અંદાજે 7 કરોડ રૂપિયાના માતબર ખર્ચે બનેલો રોડ અને તળાવના બ્યુટિફિકેશનનું કામ કરાયું હતું. સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી અત્યંત તકલાદી હોવાનું સામે આવ્યું હતુ. આ મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાઈ હતી.  જે બાદ મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.  સ્થાનિ ક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે જનતાના નાણાંનો દુરુપયોગ થયો છે.

 

 

ભ્રષ્ટાચારના આક્ષેપો પણ સાચા ઠર્યા છે. નવનિર્મિત રોડ ટૂંકા ગાળામાં જ બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો. રોડની નબળી ગુણવત્તાને કારણે ઠેર-ઠેર ગાબડાં પડતા અને કામગીરી લોટ-પાણીને લાકડા જેવી જણાતા અંતે તંત્ર દ્વારા આ નબળા રોડને તોડી પાડવાની ફરજ પડી હતી. કરોડોના ખર્ચે બનેલા રોડને તોડવો પડ્યો તે જ ભ્રષ્ટાચારનો સૌથી મોટો પુરાવો માનવામાં આવે છે. હાલ તો ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ છૂટતાં સ્થાનિક તંત્રમાં દોડધામ થઈ રહી છે.

 

(6:47 PM IST)