<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

કચ્છથી મીઠાપુર દોડી દેશની પ્રથમ સોલ્ટ કન્ટેનર ટ્રેન

સ્ટેનલેસ સ્ટીલના ખાસ કન્ટેનરથી મીઠાની ગુણવત્તા જળવાશે: પરિવહન ખર્ચમાં પણ થશે ઘટાડો

ભુજઃ ગુજરાતના કચ્છના મીઠા ઉદ્યોગ માટે ભારતીય રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. કચ્છના શિવલખા સ્થિત ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વચ્ચે દેશની પ્રથમ વિશિષ્ટ સોલ્ટ કન્ટેનર ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ નવી સુવિધાથી મીઠાના પરિવહનમાં ઝડપ, સુરક્ષા અને ખર્ચની દૃષ્ટિએ મોટો ફાયદો થવાની આશા છે.

 

આ વિશેષ માલગાડીનું સંચાલન ગત 15 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે. કચ્છમાં ઉત્પાદિત શુદ્ધ અને ઔદ્યોગિક મીઠાને દેશનાં વિવિધ બજારો સુધી પહોંચાડવામાં આ ટ્રેન મહત્વની ભૂમિકા ભજવશે.

 

આ ટ્રેનમાં ખાસ ડિઝાઇન કરાયેલા હળવા વજનના સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં ઉપરથી મીઠું ભરવાની અને બાજુમાંથી સરળતાથી ખાલી કરવાની વ્યવસ્થા છે.

 

કન્ટેનરની મજબૂત અને હવાચુસ્ત રચનાને કારણે પરિવહન દરમિયાન વરસાદ, દરિયાઈ ભેજ અને અન્ય વાતાવરણીય પરિબળોથી મીઠાનું રક્ષણ થશે. પરિણામે મીઠાની ગુણવત્તા જળવાઈ રહેશે અને બગાડ ઓછો થશે.

 

નવી ટ્રેનથી મીઠાના લોડિંગ અને અનલોડિંગમાં સમયની બચત થશે. સાથે જ પરિવહન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા છે. આ પહેલથી કચ્છના મીઠા ઉદ્યોગ, ઉત્પાદકો અને અગરિયાઓને આર્થિક રીતે ફાયદો થવાની આશા છે.

(1:17 PM IST)