News of Friday, 3rd July 2026
કેશોદના ટીટોડી ગામે વાડી વિસ્તારમાં દંપતિ અચાનક પૂરના પ્રવાહ વચ્ચે ફસાયું:ફાયર બ્રિગેડે બોટ મારફત બચાવ્યા જીવ
પાણીનું સ્તર સતત વધવા લાગતા દંપતી ચારેય તરફ પાણીની વચ્ચે ફસાઈ ગયું અને તેમનો બહાર નીકળવાનો માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો હતો.

જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર સોરઠ પંથકમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપે વરસી રહ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે અને અનરાધાર વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે અને અનેક નીચાણવાળા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આવી જ એક કટોકટીભરી સ્થિતિ કેશોદ તાલુકાના ટીટોડી ગામે સામે આવી હતી, જ્યાં વાડી વિસ્તારમાં કામ અર્થે ગયેલું એક સ્થાનિક દંપતિ અચાનક આવેલા પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાઈ ગયું હતું. જોકે, વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે બંનેનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી અનુસાર, ટીટોડી ગામના વાડી વિસ્તારમાં અશ્વિનભાઈ માકડિયા અને તેમના પત્ની ઉષાબેન માકડિયા રોજબરોજની જેમ ખેતીકામ અર્થે ગયા હતા. આ દરમિયાન ઉપરવાસના વિસ્તારોમાં તૂટી પડેલા ભારે વરસાદને કારણે વાડી વિસ્તાર તરફ જતા માર્ગો અને કોતરોમાં અચાનક પૂરના પાણી ધસી આવ્યા હતા. જોતજોતામાં સમગ્ર વાડી વિસ્તાર પાણીથી ઘેરાઈ ગયો હતો અને પાણીનું સ્તર સતત વધવા લાગતા દંપતી ચારેય તરફ પાણીની વચ્ચે ફસાઈ ગયું હતું અને તેમનો બહાર નીકળવાનો માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો હતો.
વાડી વિસ્તારમાં દંપતિ ફસાયું હોવાની જાણ ગ્રામજનોને થતાં જ તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્રને સચેત કરવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને સમજીને કેશોદના મામલતદાર અને પ્રાંત અધિકારી તુરંત એક્શન મોડમાં આવ્યા હતા અને તેમણે તાબડતોબ ફાયર બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે રવાના થવા આદેશ આપ્યા હતા.
માહિતી મળતાની સાથે જ કેશોદ ફાયર બ્રિગેડનો કાફલો આધુનિક રેસ્ક્યૂ સાધનો અને બોટ સાથે ટીટોડી ગામના વાડી વિસ્તારમાં પહોંચ્યો હતો. પાણીનો પ્રવાહ તેજ હોવા છતાં ફાયર ફાઇટરોના બહાદુર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી પૂરના પાણીમાં બોટ ઉતારી હતી. ફાયર ટીમે અત્યંત સાવચેતીપૂર્વક ઓપરેશન પાર પાડીને પૂરમાં ફસાયેલા અશ્વિનભાઈ માકડિયા અને તેમના પત્ની ઉષાબેન માકડિયા સુધી પહોંચી બંનેનું બોટ મારફતે સુરક્ષિત અને સફળ રેસ્ક્યૂ કર્યું હતું. દંપતીને હેમખેમ બહાર કાઢવામાં આવતા જ પરિવારજનો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને તંત્ર તેમજ ફાયર બ્રિગેડની કામગીરીની સરાહના કરી હતી.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
