<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

કચ્છ જિલ્લા સિવિલ સર્જનની ઓફિસ અરજદારને સોંપી દેવાનો કોર્ટનો આદેશ

બાકી રકમ માટે તબીબે આરોગ્ય વિભાગ વિરુદ્ધ કરેલા કેસમાં ૨૫ વર્ષની લડત બાદ તબીબના પક્ષમાં કોર્ટનો ચુકાદો, સરકારી કચેરીને ખાનગી તાળા લાગ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : ભુજ સ્થિત કચ્છ જિલ્લાની સિવિલ સર્જનની સરકારી કચેરી અરજદારને સોંપી દેવાના ભુજ કોર્ટના આદેશને પગલે સરકારી ઓફિસને ખાનગી તાળા લાગતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અરજદાર ડો. હીરજી ભુડિયા દ્વારા તેમના રજા પગાર, ગ્રેચ્યુટી મામલે કોર્ટમાં ધા નાખવામાં આવી હતી. પૂર્વ મેડિકલ ઓફિસર ડો. હીરજી ભુડિયા ચાલુ નોકરી દરમ્યાન વિદેશ ચાલ્યા ગયા બાદ ચારેક વર્ષે ફરી પાછા આવી પોતાને નોકરીએ રાખવા તેમ જ પગાર સહિતના સરકારી લાભો આપવા માંગ કરી હતી. દરમ્યાન કોઈ નિર્ણય મળતા ડો. ભુડિયાએ કોર્ટમાં કેસ કર્યો હતો ૨૦૦૩ માં તેમના વિરુદ્ધ ચુકાદો આવતાં તેમણે ઉપલી કોર્ટમાં અરજી કરી પગાર તેમ જ ગ્રેચ્યુટી સહિતના લાભ મળે તે માટે ન્યાયિક લડત શરૂ કરી હતી. જેમાં ૨૦૧૮ માં કોર્ટમાં કેસ તેઓ જીતી જતા કોર્ટે ૨૦૧૧ સુધીની રકમ તેમને ચૂકવવા આદેશ કર્યો હતો. પરંતુ અમલ ના થતાં કોર્ટે ગયા ડિસેમ્બર મહિનામાં જંગમ મિલકત જપ્ત કરવાનો આદેશ કર્યો હતો અને આ રૂપિયા ૮૩ લાખની રકમ ન ચૂકવાય ત્યાં સુધી સિવિલ સર્જનની સરકારી કચેરી અરજદાર તબીબ ડો. ભુડિયાને સોંપવા આદેશ કરતા આ કચેરીને ખાનગી તાળા લાગ્યા છે. સરકાર તરફે આ મુદ્દે નિર્ણય ન થતાં રકમ વધી ગઈ. દરમ્યાન પંચોની રૂબરૂ ગઈકાલે સિવિલ સર્જન ઓફિસનો કબજો ડો. ભુડિયાને સોંપાયો છે. હાલ સિવિલ સર્જનની કચેરી માનસિક આરોગ્યની હોસ્પિટલમાં ખસેડાઈ છે.

(11:22 AM IST)