<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

જેતપુરમાં સેવાના નામે કરોડો રૂપિયાના ફટાકડાનો વેપારઃ તંત્ર આંખ ઉઘાડશે?

લાખો રૂપિયાનાં ફટાકડા વેંચાઇ ગયા પરંતુ હજુ મંજુરી મળી કે નહી? તે પ્રશ્‍ન

(કેતન ઓઝા દ્વારા)  જેતપુર, તા.૫:  ઔદ્યોગિક નગર જેતપુરમાં બિલાડીના ટોપની જેમ ફટાકડાના મોલ તેમજ દુકાનો ખુલ ગઈ છે અને મોટા ભાગના ફટાકડાના મોલ ગૌશાળાના નામે ખોલવામાં આવ્‍યા છે. આ તમામ મોલે લાખો રૂપિયાના ફટાકડા તો વેચી પણ નાખ્‍યા છતાં હજુ કોઈ દુકાન કે મોલને ફટાકડા વેચવાની પ્રાંત અધિકારી તરફથી મંજૂરી આપવામાં આવી છે કે નથી ? આવા સમયે ફટાકડાથી અકસ્‍માતનો કોઈ ગંભીર બનાવ બનશે તો જવાબદાર કોણ ? તેવો મોટો પ્રશ્‍ન સર્જાયો છે.  શહેરમાં દિવાળીના તહેવાર નિમિતે આઠથી દસ કરોડ રૂપિયાના ફટાકડાનો વેપાર અંદાજિત થતું હોય છે. પંદરથી વીસ દિવસના ટૂંકા ગાળામાં આટલો મોટો વેપાર જોયને કોઈને પણ કમાવવાની લાલચ થાય. જેથી શહેર તેમજ શહેરને અડીને જ મુખ્‍ય રોડ પર બિલાડીની ટોપની જેમ ફટાકડાની દુકાનો અને હવે તો ફટાકડાના મોલ ખુલી ગયા છે. તેમાં વિશાળ જગ્‍યામાં મોટાભાગના મોલ ગૌશાળાના લાભાર્થેના નામે ગૌશાળા સંચાલકો સિવાયના અન્‍ય લોકોએ તેમજ સામાજિક સંસ્‍થાઓ એ ખોલ્‍યા છે.

ફટાકડાના મોલ કે દુકાનના લાયસન્‍સ વિશે મામલતદાર આશિષ બખલખીયાને પૂછતાં તેઓએ જણાવેલ કે સીટી વિસ્‍તારમાંથી ૨૮ અને ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી ૮ અરજી લાયસન્‍સ માટે આવી છે. જેમાંથી ૭નો નેગેટિવ અભિપ્રાય અમોએ આપ્‍યો છે. અને આ બધાને મંજૂરી પ્રાંત અધિકારી આપે અને તેઓએ હજુ એક પણ મંજૂરી આપી નથી. આમ, જેતપુર શહેર તેમજ શહેરને અડીને ખુલ્લી ગયેલ ફટાકડાના એક દુકાન કે મોલ પાસે ફટાકડા વેચવાની મંજૂરી નથી. અને મંજૂરી પેલા જ પ્રત્‍યેક ફટાકડાના મોલવાળાઓએ લાખો રૂપિયાના ફટાકડા તો વેચી પણ નાંખ્‍યા. અને ગૌશાળાના નામે ખુલ્લી ગયેલ આ મોલમાં ફાયર સેફટીની વાત કરીએ તો કેટલીક જગ્‍યાએ ગૌશાળામાં ગાયોની બાજુમાં જ ગાયોને બહાર કાઢીને મોલ બનાવવામાં આવ્‍યો છે તેમજ ૧૧ કે.વી. જેવી હાઇવોલ્‍ટેજ વીજ લાઈનની બરોબર નીચે મોલ ખોલવામાં આવ્‍યો છે.  આવા તમામ ફટાકડા મોલ સહિત મંજૂરી વગર ચાલતી તમામ ફટાકડાની દુકાનો મામલતદાર અને નગરપાલિકાની સંયુક્‍ત ટીમે ગત રવિવારે તપાસ કરીને બંધ કરાવ્‍યા હતાં. પરંતુ ફટાકડાના વેપારીઓએ એવો રાજકીય છેડો લગાડ્‍યો કે થોડી જ વારમાં તમામ દુકાનો, મોલ મંજૂરી વગર ફરી ધમધમવા લાગ્‍યાં. અને હજુ પણ મંજૂરી વગર જ ચાલી રહ્યા છે. આમ, જેતપુર શહેરમાં રાજકીય ઓથ હેઠળ ગાયોને નામે આખલા ચરી રહ્યા હોવાનો ઘાટ સર્જાયો છે અને અધિકારીઓ પણ ચૂપ રહીને કોઈ મોટી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

 વેપારીઓને જી એસ ટી માટે નોટિસો આવે છે તો આ કરોડોના ફટાડકા વેચાય રહ્યા છે તો તેના ઉપર ટેક્ષ લગાવવામાં આવશે કે કેમ ?

(1:23 PM IST)