તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
ભુજમાં વર્ષીતપના તપસ્વીઓના પારણા ઉજવાયાઃ સિદ્ધાચલ ભાવયાત્રા અને ભવ્ય વરઘોડા સાથે તપસ્વીઓનું બહુમાન
આચાર્ય ભગવંત મહોદયસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં ઉજવાયો પારણોત્સવઃ હસ્તીનાપુર નગરીમાં કરાવાયા પારણા, રાત્રે સંગીત સંધ્યામાં તપની અનુમોદના

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.૨૦: શ્રી અખિલ ભારત અચલગચ્છ વિધિપક્ષ શ્વેતામ્બર જૈન સંઘના ઉપક્રમે શ્રી ભુજ અચલગચ્છ જૈન સંઘ આયોજીત વર્ષીતપ પારણોત્સવ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મહોદયસાગરસૂરીશ્રવરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી પૂર્ણભદ્રસાગરજી મહારાજ સાહેબ આદિ શ્રમણ-શ્રમણીવૃંદની શુભ પાવન નિશ્રામાં ઉજવાયો હતો.
આ પ્રસંગે સિદ્ધાચલ ભાવયાત્રા મહાપૂજન યોજાયું હતું જેમાં ભાવિકોની ભારે ભીડ જામી હતી. સિદ્ધાચલ ભાવયાત્રા પૂજન માતૃશ્રી સરસ્વતીબેન ચમનલાલ શાહ પરિવાર દ્વારા જય, ફેની, નિરવ, કિજલ, જોલી, રાજેશ, રીટાના વર્ષીતપની અનુમોદનાર્થે તથા ચંદનબેન નાનાલાલ દેવશીં શાહ પરિવાર દ્વારા મલય, બીજલ, સોનાલી, દિપ્તીના વર્ષીતપની અનુમોદનાર્થે યોજવામાં આવ્યું હતું.
ભુજ મધ્યે ત્રિદિવસીય મહોત્સવના અંતે તપસ્વીઓનો ભવ્યાતિભવ્ય વરઘોડો વાણિયાવાડ ડેલાથી બેન્ડપાર્ટી અને સંગીતના સૂરો સાથે નીકળ્યો હતો. વરઘોડામાં સમસ્ત જૈન સમાજના આગેવાનો તથા શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
ડોસાભાઇ લાલચંદ જૈન મહાજનવાડી મધ્યે ઉભી કરવામાં આવેલ હસ્તીનાપુર નગરી મધ્યે તપસ્વીઓએ પોતાના સગાસંબંધી, સ્નેહીઓ અને સમાજની વિશાળ ઉપસ્થિતિમાં વર્ષીતપના પારણા કર્યા હતા.
રાત્રે જૈન ગુર્જરવાડી મધ્યે યોજાયેલા કાર્યક્રમમાં તપસ્વીઓના તપની અનુમોદના કરી તેઓનું આગેવાનોના વરદ્ હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. સંગીતની રમઝટ સંગીતકાર વંદિત સુખિયા અને શાસન શાહે જમાવી હતી.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
