તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 8th May 2026
અમરેલી જિલ્લામાં ગુનેગારો બેફામ :બાબરાના કરિયાણા પાસે યુવકની સરેઆમ હત્યા :રોડ પર કાર રોકી મોતને ઘાટ ઉતાર્યો
કરિયાણાથી જીવાપર ગામના રસ્તા પર ભરત ઉગરેજીયા નામની વ્યક્તિની હત્યા: મૃતક વિંછીયાના ફુલઝર ગામનો: છેલ્લા 10 દિવસમાં અમરેલી જિલ્લામાં હત્યાની ચોથી ઘટના

અમરેલી જિલ્લામાં જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર ઓગળી રહ્યો હોય તેમ હત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. બાબરા તાલુકાના કરિયાણા ગામ નજીક એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાયો છે. પ્રાથમિક અહેવાલો મુજબ, કરિયાણાથી જીવાપર જવાના રસ્તા પર આ લોહીયાળ ખેલ ખેલાયો હતો.
મૃતકની ઓળખ ભરત ઉગરેજીયા તરીકે થઈ છે, જે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ફૂલઝર ગામનો રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ, ભરત ઉગરેજીયા પોતાની કારમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તેની કાર રોકી હતી અને તેના પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
બાબરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબરા સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 દિવસમાં અમરેલી જિલ્લામાં હત્યાની આ ચોથી ઘટના છે. અગાઉ પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હત્યાના બનાવો બની ચૂક્યા છે, જેને પગલે પોલીસ પેટ્રોલિંગ અને ગુનેગારોમાં પોલીસના ખોફ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં પોલીસે ગુનો નોંધી હત્યારાઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
