<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ખેતી એ જ પૂજા, જળ એ જ જીવનઃ ખારાપાટના સાવરકુંડલાના જીરા ગામના ખેડૂતોની મુખ્‍યમંત્રી સમક્ષ ભાવભરી અરજઃ શેલ દેદુમલ ડેમથી સૂક્ષ્મ સિચાઈની વિનંતી

શેત્રુંજી-શેલ નદીના પૂર અને અનાવૃષ્ટિથી પાયમાલ બનેલા ખેડૂતો માટે જીવાદોરી સમાન યોજના ૧૦૦% સરકારી સહાયથી ૨૦૦૦ હેક્‍ટરને લીલાછમ કરવા કલ્‍પેશભાઈ દુધાતની દરખાસ્‍ત યુવાનોનું સ્‍થળાંતર અટકે, ગામ ફરી સમૃદ્ધિનું પ્રતીક બને

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૮:  ખારાપાટ વિસ્‍તારના ઐતિહાસિક જીરા ગામના ખેડૂતો શેલ-દેદુમલ અને શેત્રુંજી નદીના વારંવારના પૂર તથા અનિયમિત વરસાદને લીધે પાયમાલ બન્‍યા છે. એક સમયે સમૃદ્ધિનું પ્રતીક ગણાતું આ ગામ આજે વસ્‍તી ઘટવા અને યુવા ધનના શહેરોમાં સ્‍થળાંતરને કારણે વેરાન બનવા તરફ છે. આ સ્‍થિતિ અટકાવવા જીરા ગામના ખેડૂતો વતી કલ્‍પેશભાઈ દુધાતે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સમક્ષ શેલ દેદુમલ ડેમમાંથી ગુરુત્‍વાકર્ષણથી પાઈપલાઈન દ્વારા સૂક્ષ્મ સિચાઈ યોજના અમલમાં મૂકવા ૧૦૦% સરકારી સહાય સાથે મંજૂરી માટે વિસ્‍તૃત દરખાસ્‍ત રજૂ કરી છે.

જીરા ગામ ભાવનગર રજવાડા વખતે સંવત ૧૮૮૬માં કાઠી દરબાર જોગીદાસ ખુમાણને વ્‍યક્‍તિગત ખર્ચ માટે આપવામાં આવ્‍યું હતું. ત્‍યારે આ ગામ વાર્ષિક રૂ. ૩૦,૦૦૦ની આવક આપતું હતું અને શેત્રુંજી નદીની નજીકીને કારણે ખેતી અત્‍યંત ઉપજાઉ હતી. આજે ૨૦૧૧ના સેન્‍સસ મુજબ ૧૯૨૧ની વસ્‍તી ઘટીને માત્ર ૧,૦૦૦ જેટલી રહી ગઈ છે અને આશરે ૭૦% મકાનો બંધ હાલતમાં છે.

ગામની સીમમાંથી શેલ ભાભળી નદી પસાર થાય છે જે આગળ જતાં શેત્રુંજીમાં ભળે છે. ચોમાસામાં ભારે વરસાદથી નદીમાં આવતા પૂરથી જીરા, સીમરણ, બોરાળા સહિતના ગામોમાં ખેતરો ડૂબી જાય છે, માટીનું ક્ષરણ થાય છે અને કપાસ, બાજરી, જુવાર જેવા પાકો સંપૂર્ણ નાશ પામે છે. ખેડૂતોને લાખોનું નુકસાન થાય છે. બીજી તરફ વરસાદ ખેંચાતાં અનાવૃષ્ટિ વખતે સિચાઈની કોઈ વ્‍યવસ્‍થા ન હોવાથી પાક મુરઝાઈ જાય છે. ખારા પાણીને કારણે કુવા-બોરનું પાણી પણ સિચાઈ લાયક નથી.

વર્ષ ૨૦૦૦માં પૂર્ણ થયેલો શેલ દેદુમલ ડેમ જીરા ગામની ઉપરવાસમાં છે. ૭.૮૧ MCM સંગ્રહ ક્ષમતા ધરાવતો આ ડેમ મુખ્‍યત્‍વે સિચાઈ માટે મંજૂર થયો હતો. હાલ સાવરકુંડલા શહેરને રોજ ૮૦ લાખ લિટર પીવાનું પાણી પૂરું પાડે છે. જોકે છેલ્‍લા ૨૫ વર્ષમાં ડેમમાંથી નિયમિત સિચાઈ માટે કોઈ વ્‍યવસ્‍થા ઊભી થઈ નથી. ભારે વરસાદમાં ડેમ વારંવાર ઓવરફલો થાય છે. જુલાઈ ૨૦૨૩ અને જૂન-ઓક્‍ટોબર ૨૦૨૫માં ઓવરફલોને કારણે જીરા સહિતના ગામોમાં ભારે નુકસાની થઈ હતી.

ડેમથી જીરા સુધી કુદરતી ઢોળાવ હોવાથી લિફિટંગ વગર ગુરુત્‍વાકર્ષણથી પાણી પહોંચાડી શકાય છે. દરખાસ્‍ત મુજબ ડેમથી મુખ્‍ય પાઈપલાઈન, સબ-મેઈન અને લેટરલ લાઈન દ્વારા વ્‍યક્‍તિગત ખેતરોમાં ડ્રિપ-સ્‍પ્રિંકલર સૂક્ષ્મ સિચાઈથી ૨,૦૦૦ હેક્‍ટર જમીનને આવરી લેવાશે. અંદાજિત ખર્ચ રૂા.૧૨.૨૫ કરોડ છે અને ખેડૂતોની આર્થિક સ્‍થિતિ જોતાં ૧૦૦% સરકારી સહાયની માંગણી છે.

સૂક્ષ્મ સિચાઈથી ૪૦% થી ૭૦% પાણીની બચત, ૨૦% થી ૫૦% ઉપજમાં વધારો, ખાતર-દવામાં ૩૦-૫૦% બચત અને વીજળીમાં ૨૫-૭૭્રુ બચત થશે. વર્ષભર બે સીઝન પાક લઈ શકાશે, હેક્‍ટરે રૂા. ૧૫,૦૦૦થી રૂા.૨૫,૦૦૦ વધારાની આવક થશે. ખેડૂતો ફળ-ફૂલ, શાકભાજી અને બાગાયતી પાકો લઈ શકશે. સૌથી મહત્‍વનું, યુવાનોનું શહેરોમાં સ્‍થળાંતર અટકશે અને ગામ ફરી સમૃદ્ધ બનશે.

દરખાસ્‍તના અંતમાં કલ્‍પેશભાઈ દુધાતે ભાવુક અપીલ કરતાં જણાવ્‍યું કે, આજે જીરા ગામના ખેડૂતોની આંખોમાં આંસુ અને હૃદયમાં વેદના છે. વર્ષોથી પૂર અને અનાવૃષ્ટિની માર પડે છે. આપ અમારા છેલ્‍લા આશાનું કિરણ છો. આપના હાથમાં અમારા ગામનું ભવિષ્‍ય સોંપીએ છીએ. આ યોજનાથી અમારા ખેતરો ફરી લીલાછમ બનશે અને જીરા ગામ ફરીથી સમૃદ્ધિનું પ્રતીક બનશે.

જય હિદ! જય જીરા! જય ખેડૂત! જય જય ગરવી ગુજરાત! સાથે દરખાસ્‍તનું સમાપન કરાયું છે

 

(10:24 AM IST)