<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ગિરનાર પરિક્રમા પૂર્ણ થતા હવે દામોદરકુંડ ઘાટ બે દિવસ બંધ રહેશે : સફાઈ બાદ 26મીથી રાબેતા મુજબ શરૂ થશે

લાખો ભાવિકોએ દામોદરકુંડમાં સ્નાન કરી યાત્રા પૂર્ણ કરી, ઘાટની સાફ-સફાઈ માટે તીર્થગોર સમિતિનો નિર્ણય, ભાવિકોને સહકાર આપવા અપીલ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૨૪  : ગિરનાર પરિક્રમા પૂર્ણ થતા લાખો ભાવિક ભક્તોએ દામોદરકુંડમાં સ્નાન કરી યાત્રા પૂર્ણ કરી છે, પરિક્રમા દરમિયાન દામોદરકુંડ ઘાટ પર ભારે ભીડ જોવા મળી હતી, હવે ઘાટની સાફ-સફાઈ માટે દામોદરકુંડ તીર્થગોર સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે,

         દામોદરકુંડ ઘાટ સાફ-સફાઈ હેતુ બે દિવસ સંપૂર્ણ ખાલી કરવામાં આવશે, 24-11-2026 મંગળવાર અને 25-11-2026 બુધવાર એમ બે દિવસ ઘાટ બંધ રહેશે, આ બે દિવસ દરમિયાન ઘાટ પર સ્નાન, પૂજા-પાઠ કે અન્ય કોઈ ધાર્મિક વિધિ થઈ શકશે નહીં, ઘાટને સંપૂર્ણ ખાલી રાખીને ઊંડાણપૂર્વકની સફાઈ કરવામાં આવશે, 26-11-2026 ગુરુવારથી દામોદરકુંડ ઘાટ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે અને ભાવિકો ફરી સામાન્ય રીતે સ્નાન અને દર્શન કરી શકશે, દામોદરકુંડ તીર્થગોર સમિતિના પ્રમુખ નિલેશ પુરોહિત દ્વારા ભાવિકોને અપીલ કરવામાં આવી છે કે સફાઈ કામગીરીમાં સહકાર આપે અને બે દિવસ ઘાટ પર આવવાનું ટાળે, ઘાટને સ્વચ્છ અને પવિત્ર રાખવો એ સૌની સહિયારી જવાબદારી છે, ગિરનાર પરિક્રમા એ ગુજરાતની સૌથી મોટી ધાર્મિક યાત્રાઓમાંની એક છે, 

          કાર્તિકી પૂર્ણિમાના દિવસોમાં યોજાતી આ પરિક્રમા 36 કિ.મી.ની હોય છે, પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ભાવિકો દામોદરકુંડમાં સ્નાન કરે છે ત્યારે જ યાત્રા પૂર્ણ માનવામાં આવે છે, આ વર્ષે પણ લાખો ભાવિકોએ આ યાત્રામાં ભાગ લીધો હતો.

(1:07 PM IST)