હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેવભૂમિ દ્વારકા પંથકમાં ભારે ગમગીની : કતારમાં એલએનજી ગેસ પ્લાન્ટના બ્લાસ્ટમાં ખંભાળિયાના હર્ષદપુરના ૩૧ વર્ષીય યુવાન કિરીટ કણજારીયાનું કરુણ મોત
પરિવારના ભરણપોષણ માટે આઠ મહિના અગાઉ જ વિદેશ ગયેલા યુવાનનો પાર્થિવ દેહ વતન પહોંચતા કાળજુ કંપાવતા દ્રશ્યો સર્જાયા : બે માસૂમ સંતાનો અને પત્નીએ છત્રછાયા ગુમાવતા સતવારા સમાજ સહિત સમગ્ર ગામ શોકતુર

કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા:
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામમાં અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. રોજગારી અર્થે સાત સમુદ્ર પાર કતાર ગયેલા હર્ષદપુર ગામના ૩૧ વર્ષીય આશાસ્પદ યુવાન કિરીટ જયંતીભાઈ કણજારીયાનું એક ભયાનક અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. કતાર સ્થિત એલએનજી ગેસ પ્લાન્ટમાં સર્જાયેલા એક પ્રચંડ બ્લાસ્ટમાં કિરીટ કણજારીયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે આખરી શ્વાસ લીધા હતા. આ અણધાર્યા આઘાતથી મૃતકના પરિવાર સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
પરિવારનું ગુજરાન ચલાવવા ૮ મહિના પહેલા જ કતાર ગયા હતા:
મળતી વિગતો મુજબ, સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતા કિરીટ કણજારીયા પોતાના પત્ની, વૃદ્ધ માતા-પિતા અને બે માસૂમ સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય તેમજ પરિવારના ભરણપોષણ માટે કમાણી કરવાના હેતુથી છેલ્લા ૮ મહિનાથી જ કતાર ખાતે નોકરી પર જોડાયા હતા. પરિવારને આર્થિક ટેકો આપવા માટે પરદેશ ગયેલા કમાઉ દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું છે. આ અકસ્માતે એક હસતા-રમતા પરિવારની ખુશીઓને પલભરમાં વેરવિખેર કરી નાખી છે.
બે માસૂમ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી:
કિરીટ કણજારીયાના અકાળે અવસાનથી તેમના પત્ની અને બે માસૂમ બાળકો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતક પોતાના પાછળ ૬ વર્ષનો પુત્ર અને અવગાઢ દોઢ વર્ષની માસૂમ પુત્રી છોડી ગયા છે. આ અબોધ સંતાનો હજુ પિતાના હેતને સમજે તે પહેલા જ તેમણે પિતાની કાયમી છત્રછાયા ગુમાવી દીધી છે. વતનમાં પતિના મોતના સમાચાર સાંભળતા જ પત્નીની હાલત અત્યંત દયનીય બની ગઈ છે અને પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે.
હર્ષદપુર ગામમાં શોકાતુર માહોલ વચ્ચે અંતિમ વિદાય અપાઈ:
તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ મૃતક કિરીટ કણજારીયાનો પાર્થિવ દેહ વિમાન મારફતે ભારત લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તેમના વતન હર્ષદપુર પહોંચાડાયો હતો. યુવાન પુત્રનો પાર્થિવ દેહ આંગણે પહોંચતા જ પરિવારજનોના કરુણ આક્રંદથી હાજર રહેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. હર્ષદપુર ગામના આશાસ્પદ યુવાનના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ગ્રામજનો, સગા-સંબંધીઓ અને સતવારા સમાજના અગ્રણીઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર ગામમાં સ્વયંભૂ શોક પાળવામાં આવ્યો હતો અને ભારે હૃદયે શોકમય વાતાવરણ વચ્ચે કિરીટ કણજારીયાની અંતિમ યાત્રા કાઢી તેમને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
