તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
પોરબંદર જિલ્લાના રતનપર ગામના પશુપાલક દીપકભાઈ ઓડેદરા રાંધણ ગેસ માટે બન્યા આત્મનિર્ભર
ગોબર ગેસ પ્લાન્ટ યોજના ખરા અર્થમાં ગ્રામીણ અર્થતંત્ર અને પર્યાવરણ માટે આશીર્વાદરૂપઃ રૂ. ૫,૦૦૦ હજારના લોકફાળા થકી દીપકભાઈના પરીવારને મળ્યો આજીવન મફત રાંધણ ગેસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર.તા.૨૬ :.. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી માર્ગદર્શનમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પર્યાવરણની જાળવણી અને ઊર્જાના આત્મનિર્ભરતા માટે અનેક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત પશુપાલકો માટે કાર્યરત કરાયેલી ગોબર ગેસ પ્લાન્ટ યોજના ખરા અર્થમાં ગ્રામીણ અર્થતંત્ર અને પર્યાવરણ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજનાના સીધા લાભ અને તેનાથી પાયાના સ્તરે આવેલા બદલાવની વાસ્તવિકતા પોરબંદર જિલ્લાના રતનપર ગામના પ્રગતિશીલ પશુપાલક દીપકભાઈ ઓડેદરાના અનુભવ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે.
દીપકભાઈ જણાવે છે કે, અગાઉના વર્ષોમાં તેમના ઘરમાં વર્ષે સાતથી આઠ ગેસના સિલિન્ડર (બાટલા) વપરાતા હતા, જેના માટે તેમણે વાર્ષિક અંદાજે રૂ. ૮,૦૦૦ થી રૂ. ૧૦,૦૦૦ જેવો મોટો ખર્ચ કરવો પડતો હતો. આ આર્થિક બોજ ઉપરાંત આકસ્મિક પરિસ્થિતીમાં જ્યારે ગેસના સિલિન્ડરોની અછત કે તંગી સર્જાય છે, ત્યારે ગ્રામીણ પરિવારોને રસોઈના બળતણ માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં જ ગોબર ગેસ પ્લાન્ટની સાચી કિંમત અને તેનું મહત્વ સમજાય છે.
આ યોજના હેઠળ સરકારશ્રી દ્વારા મળનારી માતબર આર્થિક સહાયનો ઉલ્લેખ કરતા તેઓ ઉમેરે છે કે, આ પ્લાન્ટની કુલ કિંમત સામે સરકાર દ્વારા રૂ. ૪૫,૦૦૦ જેટલી મોટી સબસિડી આપવામાં આવી છે, જેના કારણે એક સામાન્ય પશુપાલક કે માલધારીને આ પ્લાન્ટ માત્ર રૂ. ૫,૦૦૦ ના નજીવા સ્વ-ખર્ચે મળી ગયો છે. આ નજીવા રોકાણની સામે હવે તેમને કાયમી ધોરણે મફત અને પ્રદૂષણમુકત બળતણ મળી રહ્યું છે.
આમ, સ્વચ્છ ભારત મિશનની આ ગોબર ગેસ યોજનાથી માલધારીઓ અને ખેડૂતોને આર્થિક સ્તરે બચત તો થઈ જ છે, સાથે સાથે ગેસના બાટલા મેળવવાની હાલાકીમાંથી કાયમી મુકિત મળી છે. પશુપાલકોના હિતમાં અને ગ્રામીણ સ્તરે સ્વચ્છતા તેમજ પ્રકૃતિના જતન માટે સરકારશ્રી દ્વારા લેવાયેલું આ પગલું ખરેખર ખૂબ જ સરાહનીય અને પ્રોત્સાહક છે.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
