<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

ભાવનગરના મહુવા તાલુકાના દુધેરી ગામમાં શિક્ષણને લાંછન: પ્રાથમિક શાળાના આચાર્ય સામે 7 બાળકોને ઢોરમાર માર્યાનો ગંભીર આક્ષેપ

બાળકોના મોઢા પર સોજા અને શરીરે ઉઝરડાના આક્ષેપો, SMC પ્રમુખ સહિત 10 સભ્યોની TPOને લેખિત ફરિયાદ; આચાર્યએ માર માર્યો હોવાનું સ્વીકાર્યું હોવાનો દાવો, કાર્યવાહી નહીં થાય તો શાળાને તાળાબંધીની ચીમકી

(રહીમ વસાયા દ્વારા)મહુવા તા.૧૦ :  ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દુધેરી ગામની પ્રાથમિક શાળામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, દુધેરી પ્રાથમિક શાળાના આચાર્ય રજની બારૈયા સામે 1 ઓક્ટોબરના રોજ 7 જેટલા બાળકોને ક્રૂરતાપૂર્વક માર માર્યાની ફરિયાદ ઉઠી છે. વાલીઓના જણાવ્યા મુજબ મારના કારણે બાળકોના મોઢા પર સોજા આવી ગયા હતા અને શરીર પર ભરોળા પડી ગયા હતા.

આ મામલે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના પ્રમુખ સહિત 10 જેટલા સભ્યોએ મહુવાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPO) ને લેખિત રજૂઆત કરી આચાર્ય સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વાલીઓ અને SMC સભ્યોનો આક્ષેપ છે કે આચાર્યનો સ્વભાવ મનસ્વી અને તાનાશાહી ભર્યો છે.

વધુમાં સોશિયલ મીડિયા અને ફોન પરની વાતચીતમાં આચાર્યએ પોતે બાળકોને માર માર્યો હોવાનું સ્વીકાર્યું હોવાનો પણ SMC સભ્યો દાવો કરી રહ્યા છે.

ગામજનો અને વાલીઓએ તંત્રને અલ્ટીમેટમ આપ્યું છે કે જો આચાર્ય સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે શિક્ષણ વિભાગ આ મામલે શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.

(9:38 AM IST)