તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Sunday, 5th July 2026
મૃત્યુને માત: પોરબંદરમાં પૂરના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા યુવકનું ફાયર બ્રિગેડ દ્વારા દિલધડક રેસ્ક્યુ
બળેજ-અમીપુર રોડ પર પાણીના તેજ પ્રવાહમાં યુવક ફસાતા મચી ગઇ દોડધામ, પોરબંદર ફાયર ટીમે બોટની મદદથી યુવકનો આબાદ બચાવ કર્યો

પોરબંદર:પોરબંદરના બળેજ-અમીપુર રોડ પર આજે ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિમાં જૂનાગઢથી માધવપુર જઈ રહેલો 22 વર્ષીય રાજશી રામ નામનો યુવક પાણીના તેજ પ્રવાહમાં અચાનક ફસાઈ જતાં તેના જીવ પર જોખમ તોળાયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત 112 કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી, જેના પગલે પોરબંદર ફાયર ટીમ તાત્કાલિક બોટ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને સમયસૂચકતા વાપરી યુવકનું સફળ રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર એવા પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને પગલે નદી-નાળાઓ અને માર્ગો પર પાણી ફરી વળ્યા છે. આવી જ એક જોખમી સ્થિતિ પોરબંદરના બળેજ-અમીપુર રોડ (Balej-Amipur Road) પર સર્જાઈ હતી. જ્યાં રસ્તા પરથી પસાર થતા પાણીના અત્યંત તેજ વહેણમાં એક 22 વર્ષીય યુવક અચાનક ફસાઈ ગયો હતો. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે યુવક માટે બહાર નીકળવું અશક્ય બની ગયું હતું અને તેનો જીવ જોખમમાં મુકાયો હતો.
આ ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. હાલમાં પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ નદી-નાળા અને જળાશયોના લેવલ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા રસ્તાઓ કે પુલ પરથી પસાર થવાનું જોખમ ન લેવું અને તંત્રની સૂચનાઓનું પાલન કરવું.
હજુ પણ ભારે વરસાદની સંભાવના હોવાથી જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આગામી સમયમાં રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે કામગીરી હાથ ધરવામાં આવશે અને જરૂર જણાયે આવા સંવેદનશીલ વિસ્તારોમાં ચેતવણીના બોર્ડ લગાવવાની તેમજ બેરિકેડિંગ કરવાની પ્રક્રિયા પણ ઝડપી બનાવવામાં આવશે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
